IND VS ZIM: ટીમ ઈન્ડિયાએ હરારેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની વનેડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 189 રન જ બનાવી શકી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 30.5 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો.


સતત 13મી ODIમાં ઝિમ્બાબ્વેને હરાવ્યું


હરારેમાં આજે પ્રથમ વનડેમાં ભારતીય ટીમની જીત સાથે કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને વનડેમાં સતત 13મી મેચમાં હરાવ્યું છે. 2013 થી 2022 સુધી ઝિમ્બાબ્વેએ ભારત સામે એક પણ વનડે મેચ જીતી નથી. 2013 પહેલા પણ ભારતે 2002-05 વચ્ચે સતત 10 મેચોમાં ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું.


ઝિમ્બાબ્વે ઉપરાંત, 1988-2004 વચ્ચે, ભારતીય ટીમે સતત 12 વનડેમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. 1986-1988 સુધી, ભારતે સતત 11 ODI મેચોમાં ન્યુઝીલેન્ડને પણ હરાવ્યું હતું. જો ભારતીય ટીમ હવે ઝિમ્બાબ્વે સામેની સીરીઝની બાકીની 2 મેચ જીતી લે છે તો આ અજેય લીડ 13 થી વધીને 15 મેચોની થઈ જશે.


ધવને 6500 રન પૂરા કર્યાઃ


ભારતીય ઓપનર શિખર ધવન માટે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની પ્રથમ વનડે પણ ઘણી ખાસ રહી છે. આજે ધવને ભારત માટે વનડેમાં તેની 38મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 113 બોલમાં 81 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. ધવનની આ ઇનિંગ સાથે તેણે આજે તેની ODI કરિયરમાં 6500 રન પૂરા કર્યા. ધવન આવું કરનાર ભારતનો 10મો ખેલાડી બની ગયો છે.


પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ રેકોર્ડ બનાવ્યોઃ


ધવન સિવાય ભારતીય ટીમના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્નાએ પણ વર્ષ 2022માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પ્રસિદ્ધ કૃષ્નાએ વર્ષ 2022ની 10 ODI મેચમાં 18 વિકેટ લીધી છે. આજની મેચમાં દીપક ચાહર, પ્રસિદ્ધ કૃષ્ના અને અક્ષર પટેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે અક્ષર પટેલે ODI ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી લીધી હતી.


ઇવાન્સ અને નાગરવાએ પાર્ટનરશીપનો રેકોર્ડ બનાવ્યોઃ
ભારત સિવાય બ્રાડ ઇવાન્સ અને રિચર્ડ નાગરવાએ આજે ​​ઝિમ્બાબ્વે માટે રસપ્રદ રેકોર્ડ બનાવ્યો છે. આ બંને ખેલાડીઓએ ઝિમ્બાબ્વે માટે નવમી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. ભારત સામે નવમી વિકેટ માટે ઝિમ્બાબ્વેની આ સર્વોચ્ચ ભાગીદારી હતી.