IND W vs BAN W 2nd ODI : ભારતીય મહિલા ટીમે કમાલ કરી બતાવી છે. ભારતની મહિલા ટીમે બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં 108 રનથી જંગી જીત મેળવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ઢાકાના શેર-એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુકસાન પર 228 રન બનાવ્યા હતા, જેમાં જેમિમા રોડ્રિગ્સે 78 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશ 120 રનમાં સમેટાઈ ગયું હતું. જેમિમાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ પણ પોતાના નામે કરી હતી.
આ મેચમાં બાંગ્લાદેશની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા ટીમને 17ના સ્કોર પર પહેલો ઝાટકો પ્રિયા પુનિયાના રૂપમાં લાગ્યો હતો જે માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ત્યાર બાદ 68ના સ્કોર સુધી ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સુકાની હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સે સાથે મળીને ઈનિંગ્સને સંભાળી હતી, પરંતુ તેના હાથમાં દુ:ખાવાના કારણે હરમનપ્રીત રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફરી હતી.
જેમિમાએ ત્યારબાદ હરલીન સાથે ઇનિંગને આગળ ધપાવી અને બંને વચ્ચે 55 રનની ભાગીદારી જોવા મળી. જ્યારે હરલીન 25 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેમિમાએ 86 રનની ઈનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. પેવેલિયન પરત ફર્યા બાદ ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવેલી કેપ્ટન હરમનપ્રીતે પોતાની અડધી સદી પૂરી કરીને સ્કોરને 228 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશ તરફથી બોલિંગમાં સુલ્તાના ખાતૂન અને નાહિદા અખ્તરે 2-2 વિકેટ ઝડપી હતી.
જેમિમા અને દેવિકાની સ્પિન સામે બાંગ્લાદેશની મહિલા ટીમ ઘુંટણીયે
229 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશ મહિલા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 38ના સ્કોર સુધી ટીમે તેની 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ફરઝાના હક અને રિતુ મોની વચ્ચે ચોથી વિકેટ માટે 50થી વધુ રનની ભાગીદારી થઈ હતી. આ જોડી દેવિકા વૈદ્યએ તોડી હતી અને અહીંથી શરૂ થયેલી વિકેટોની શ્રેણી 120ના સ્કોર પર અટકી હતી. જેમિમા રોડ્રિગ્સે 3.1 ઓવરમાં માત્ર 3 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે દેવિકા વૈદ્યએ 8 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની નિર્ણાયક મેચ 22 જુલાઈએ રમાશે.