IND-W vs WI-W: ભારતીય મહિલા ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની બીજી મેચ જીતી લીધી છે. શ્રેણીની બીજી મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ મેચ પણ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની બીજી મેચ 115 રને જીતી લીધી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.







કેવી રહી મેચ ?


બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બેટ્સમેનોએ પોતાના નિર્ણયને સાચો સાબિત કર્યો અને મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને વિશાળ સ્કોર સુધી લઈ ગઈ. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાની ઈનિંગ દરમિયાન હરલીન દેઓલે 103 બોલમાં 115 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય પ્રતિકા પાટીલે 76 રન, સ્મૃતિ મંધાનાએ 53 રન અને જેમિમાહ રોડ્રિગ્સે 52 રન બનાવ્યા હતા.


વેસ્ટ ઈન્ડિઝની ટીમ રન ચેઝમાં નિષ્ફળ રહી


ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા 359 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 46.2 ઓવરમાં 243 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાએ આ મેચ મોટા અંતરથી જીતી લીધી હતી. ભારતે શ્રેણીની પ્રથમ મેચ પણ મોટા અંતરથી જીતી હતી. બોલિંગમાં પ્રિયા મિશ્રાએ ત્રણ જ્યારે પ્રતિકા પાટીલ, દીપ્તિ શર્મા અને તિતાસ સાધુએ બે-બે વિકેટ લીધી હતી. શ્રેણીની ત્રીજી મેચ 27 ડિસેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. હાલ ભારતીય મહિલા ટીમ શાનદાર ફોર્મમાં છે.       


IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ ફરી ઈતિહાસ રચ્યો, 7 વર્ષ બાદ કર્યું આ મોટુ કારનામુ