india a vs afghanistan a: તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ભારત A ટીમે ત્રિકોણીય શ્રેણીની પાંચમી મેચમાં અફઘાનિસ્તાન A ને 101 રનથી કારમો પરાજય આપ્યો છે. બુધવારે (17 જૂન) રમાયેલી આ મેચમાં શાનદાર જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની ફાઇનલમાં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખી છે. ભારતે પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 319 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 36.5 ઓવરમાં માત્ર 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

Continues below advertisement

બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન

ભારત A તરફથી કેપ્ટન તિલક વર્માએ કપ્તાની ઇનિંગ્સ રમતા 75 બોલમાં 5 ચોગ્ગાની મદદથી સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. તેમને સાથ આપતા પ્રિયાંશ આર્ય અને કુમાર કુશાગ્રે પણ 58-58 રન ફટકાર્યા હતા. જોકે, યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ફરી એકવાર મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ સાબિત થયો હતો. તેણે 28 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા.

Continues below advertisement

વૈભવ માટે આ સિરીઝ અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી, તેના બેટમાંથી હજુ સુધી એક પણ ફિફ્ટી નીકળી નથી. તેણે રમેલી 4 મેચમાં અનુક્રમે 14, 44, 21 અને 38 રન જ બનાવ્યા છે. એટલે કે 4 મેચમાં તેના નામે માત્ર 117 રન નોંધાયા છે.

અફઘાનિસ્તાનનો ધબડકો

બીજી તરફ, 320 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન A ની ટીમ શરૂઆતથી જ દબાણમાં અને ડગમગતી જોવા મળી હતી. ટીમ તરફથી માત્ર બહિર શાહે સૌથી વધુ 57 રનની (52 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો) ઇનિંગ્સ રમી હતી. અફઘાનિસ્તાનના 4 બેટ્સમેનો તો બે આંકડાના સ્કોર (ડબલ ફિગર) સુધી પણ પહોંચી શક્યા ન હતા.

ભારતીય બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. જેમાં નિશાંત સિંધુએ સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે યશ ઠાકુરને 2 અને અનુકુલ રોય, સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ તથા અંશુલ કંબોજને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચોઃ શ્રીલંકન ખેલાડીઓ સાથે બાખડનારા વૈભવ સૂર્યવંશી પર શું પ્રતિબંધ લાગશે? જાણો ICC નો નિયમ

ફાઇનલ માટે શું છે સમીકરણ?

આ મોટી જીત સાથે જ ટીમ ઈન્ડિયા 4 પોઈન્ટ અને +0.797 ના નેટ રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે પહોંચી ગઈ છે. બીજા ક્રમે રહેલા શ્રીલંકા પાસે પણ 4 પોઈન્ટ છે, પરંતુ તેમનો નેટ રનરેટ ભારત કરતા ઓછો છે. જ્યારે અફઘાનિસ્તાન 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

ટીમ ઈન્ડિયાએ પોતાની ચારેય લીગ મેચ રમી લીધી છે, જ્યારે શ્રીલંકા અને અફઘાનિસ્તાને 3-3 મેચ રમી છે. હવે આ બંને ટીમો વચ્ચે છેલ્લી લીગ મેચ રમાશે, જેના પર ફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થશે:

જો શ્રીલંકા આ મેચ જીતશે, તો ફાઇનલ મુકાબલો ભારત A અને શ્રીલંકા વચ્ચે રમાશે.

જો અફઘાનિસ્તાન આ મેચ જીતી જાય છે, તો ત્રણેય ટીમોના 4-4 પોઈન્ટ સરખા થઈ જશે. આ સ્થિતિમાં જે બે ટીમોનો નેટ રનરેટ સૌથી સારો હશે, તે બંને વચ્ચે ટાઇટલ મેચ (ફાઇનલ) રમાશે.

આ પણ વાંચોઃ ભારત A માટે હવે 'કરો યા મરો': સતત બે હાર બાદ કેવી રીતે પહોંચશે ફાઇનલમાં?