vaibhav suryavanshi ban rules: શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં ભારત A અને શ્રીલંકા A વચ્ચેની મેચમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. 15 જૂનના રોજ રમાયેલી આ મેચ સુપર ઓવર સુધી ગઈ હતી, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પૂરી થયા બાદ ભારતીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી શ્રીલંકન ખેલાડીઓ સાથે સીધી ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો. હવે ક્રિકેટ જગતમાં સૌથી મોટો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે મેદાન પર આ પ્રકારના ઉગ્ર વર્તન બદલ શું વૈભવ પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે કોઈ દંડ ફટકારાશે? ચાલો જાણીએ આ સમગ્ર વિવાદ પાછળનું સાચું કારણ અને આ અંગે નિયમો શું કહે છે.
આ બે લાઈનોથી ભડક્યો વૈભવનો ગુસ્સો
આખો વિવાદ સુપર ઓવરના અંતે શરૂ થયો હતો. મીડિયા અહેવાલો મુજબ, મેચ જીત્યા બાદ શ્રીલંકાના ખેલાડી વિશેન હલમ્બેગેએ વૈભવને ઉશ્કેરવા માટે સ્લેજિંગ કર્યું હતું. તેણે ટોણો મારતા વૈભવને કહ્યું હતું કે, "મેચ પૂરી થઈ ગઈ છે... હવે તું ઘરે જા." આ શબ્દો સાંભળતા જ વૈભવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તે એકલા હાથે જ આખી શ્રીલંકન ટીમ સામે બાથ ભીડવા પહોંચી ગયો હતો. વાત માત્ર દલીલો પૂરતી સીમિત ન રહી, પરંતુ ખેલાડીઓ વચ્ચે ખુલ્લેઆમ ધક્કામુક્કી અને ઝઘડો પણ જોવા મળ્યો.
સુપર ઓવરમાં ભારતનું ખરાબ પ્રદર્શન
આ મેચમાં સુપર ઓવરની વાત કરીએ તો ભારત A નું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. શ્રીલંકાએ સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા 16 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઉતરેલા ભારતના સૂર્યાંશ શેડગે અને વૈભવ સૂર્યવંશી ફક્ત 9 રન જ બનાવી શક્યા હતા.
આ પણ વાંચોઃ શ્રીલંકાના ખેલાડીઓ પર વૈભવ સૂર્યવંશી કેમ ભડક્યો? મેદાન પર થયેલા ઝઘડાનું સાચું કારણ આવ્યું સામે
શું ICC લેશે કડક પગલાં?
મેદાન પર ખેલાડીઓ વચ્ચે શારીરિક ઝપાઝપી થવી એ ક્રિકેટમાં બહુ ગંભીર બાબત ગણાય છે. જોકે, વૈભવ પર મોટી કાર્યવાહી થવાની શક્યતા બહુ ઓછી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સામાન્ય રીતે કોઈપણ 'A' શ્રેણીની મેચો માટે પોતાના સત્તાવાર મેચ અધિકારીઓની નિમણૂક કરતું નથી. તેથી આવી મેચોમાં શિસ્તભંગના કોઈ મુદ્દાઓ પર ICC સીધો નિર્ણય લેતું નથી. આ કારણોસર વૈભવ પર પ્રતિબંધ લાગવાની કે તેને દંડ ફટકારાવાની સંભાવના નહિવત છે. હાલમાં આ મામલે પ્રતિબંધ કે કાર્યવાહી અંગે કોઈપણ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
આ પણ વાંચોઃ IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
