India Cricket Team Selection Panel: ભારતીય ક્રિકેટને લઇને બહુ જલદી એક મોટા સમાચાર મળી શકે છે. ભારતીય ટીમને આ વર્ષે 2 મોટી ટૂર્નામેન્ટ રમવાની બાકી છે, એક એશિયા કપ અને બીજો ICC ODI વર્લ્ડકપ. આ બંને ટૂર્નામેન્ટમાં દરેકની નજર ટીમ સિલેક્શન પર રહેશે. ચેતન શર્માએ ચીફ સિલેક્ટર પદ પરથી અચાનક રાજીનામું આપ્યા બાદ સિલેક્શન કમિટીમાં જગ્યા ખાલી છે. હાલમાં ભારતીય ટીમના મુખ્ય પસંદગીકારની જવાબદારી શિવ સુંદર દાસ સંભાળી રહ્યા છે. આ બધાની વચ્ચે ખાલી પડેલી એક પૉસ્ટને લઈને પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગનું નામ વારંવાર સામે આવી રહ્યું છે. જોકે, પસંદગીકારોને આપવામાં આવતો પગાર મોટી સમસ્યા છે. 


એક સમયે ભારતીય ટીમના ચીફ સિલેક્ટરની જવાબદારી દિલીપ વેંગસરકર અને કે.કે. શ્રીકાંત જેવા દિગ્ગજ ખેલાડીના માથે હતી, પરંતુ હવે મોટા ખેલાડીઓ આ જવાબદારી નિભાવવામાં સ્પષ્ટપણે સંકોચ કરી રહ્યા છે. કેમ કે આની પાછળ બધા માને છે કે પસંદગીકાર તરીકે મળતો પગાર ખુબ જ ઓછો છે. અત્યારે ઉત્તર ઝૉનમાંથી એક નામ પસંદગી સમિતિમાં સામેલ થવાનું છે. આ અંગે વીરેન્દ્ર સેહવાગનું નામ સૌથી ઉપર ચર્ચાઇ રહ્યું છે. 


બીસીસીઆઈના એક અધિકારીએ પોતાના નિવેદનમાં પીટીઆઈને જણાવ્યું હતું કે તે પ્રશાસકોની સમિતિના કાર્યકાળ દરમિયાન જ સેહવાગને ચીફ સિલેક્ટરના પદ માટે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે પાછળથી અનિલ કુંબલે બન્યા હતા. હવે એવું ના વિચારી શકાય કે તે ખુદ અરજી કરશે. આ ઉપરાંત તેના જેવા મોટા ખેલાડીને પણ તેના કદ પ્રમાણે પૈસા ચૂકવવા પડશે.


યુવરાજ, ગંભીર અને હરભજન આ કારણે નથી કરી રહ્યાં અરજી - 
ઉત્તર ઝૉનમાંથી કોઈપણ એક નામને પસંદગી સમિતિમાં સામેલ કરવાનું રહેશે. આ માટે વીરેન્દ્ર સેહવાગ ઉપરાંત બીજા કેટલાક મોટા નામો પણ છે. જેમાં ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ અને હરભજન સિંહ સામેલ છે. પરંતુ આ ત્રણેય ખેલાડીઓ હજુ આ પદ માટે લાયક નથી. ખરેખર, ખેલાડીઓ નિવૃત્તિના 5 વર્ષ પછી જ આ પૉસ્ટ માટે અરજી કરી શકે છે.


હાલમાં ભારતીય ટીમની પસંદગી સમિતિના સભ્યોને મળતા પગાર પર નજર કરીએ તો ચીફ સિલેક્ટરને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે. વળી, પસંદગી સમિતિના અન્ય તમામ સભ્યોને BCCI દ્વારા વાર્ષિક પગાર તરીકે 90 લાખ રૂપિયા આપવામાં આવે છે.