T20 WC: ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપમાં હવે બુધવારે એટલે કે આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ટક્કર થવાની છે, આમ તો ભારતીય ટીમનુ ટી20 વર્લ્ડકપમાં પલડુ ભારે રહ્યુ છે, પરંતુ આવતીકાલની મેચમાં ભારત માટે મુશ્કેલી નડી છે, અને જો ભારતને મુશ્કેલી પડે છે, તો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે રસ્તો વધુ કઠીન બની શકે છે. રિપોર્ટ છે કે, આવતીકાલે ભારત અને બાંગ્લાદેશની મેચ જે એડિલેડ ઓવલ મેદાનમાં રમાવવાની છે, ત્યાં વરસાદની આશંકા પુરેપુરી છે. આ ખબર ભારતીય ફેન્સ અને ક્રિકેટરો માટે ચિંતાજનક છે. 


વેધર રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે દિવસથી એડિલેડમાં સતત વરસાદ પડી રહ્યો છે, અને જો વરસાદ કાલે પણ ચાલુ જ રહેશે, તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જો આવુ થશે તો ટીમ ઇન્ડિયાનુ સેમિ ફાઇનલનુ સમીકરણ બગડી શકે છે. 


પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ, તો ભારતની સ્થિતિ ખુબ મજબૂત છે, પરંતુ એક હાર ટીમને જોખમમાં મુકી શકે છે. અત્યારે ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં 4 પૉઇન્ટ સાથે નંબર બે પર છે. સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતે પોતાના છેલ્લા બન્ને મુકાબલામાં જીત નોંધાવવી પડશે. પરંતુ જો વરસાદ પડશે, તો પૉઇન્ટની વહેંચણી થઇ જશે અને ભારત માટે ચિંતા રહેશે. 


હવામાન વિભાગે જાણકારી આપી છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બની શકે છે. એડિલેડનુ વાતાવરણ વરસાદી છે. ત્યા તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, તે સમયે થોડો વરસાદ પણ પડશે. જોકે, હવે મેચ દરમિયાન વરસાદ કેટલી રમત બગાડી શકે છે તો તે કાલે જ ખબર પડશે. 


મેચના દિવસે હવામાન કેવું રહેશે ?
ભારત અને બાંગ્લાદેશની ટીમો બુધવારે એડિલેડમાં સામસામે ટકરાશે. બેટ્સમેનોની દૃષ્ટિએ એડિલેડની વિકેટ વધુ સારી માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ 2માં બીજા નંબર પર છે. જ્યારે ત્રીજા નંબર પર બાંગ્લાદેશ છે. તે જ સમયે, ભારતને હરાવીને દક્ષિણ આફ્રિકા ટોચ પર પહોંચી ગયું છે. આ સંદર્ભમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ હાલમાં ચાહકોના મનમાં પ્રશ્ન એ છે કે શું વરસાદ પરેશાન કરી શકે છે ? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચના દિવસે વરસાદ પડવાની 95 ટકા સંભાવના છે. આ સિવાય 25-30 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પવન ફૂંકાશે.


શું એડિલેડમાં બેટિંગ સરળ હશે ?
એડિલેડની વિકેટની વાત કરીએ તો, અહીં મેચ ડ્રોપ-ઇન પિચ પર રમાય છે. આ રીતે બેટ્સમેન અને બોલર બંને પાસે વધુ સારી તકો હશે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની બાકીની પીચો કરતાં એડિલેડમાં રન બનાવવા વધુ સરળ રહેશે. એવું માનવામાં આવે છે કે એશિયન બેટ્સમેન એડિલેડ સિવાય સિડનીમાં બેટિંગ કરવાનું પસંદ કરે છે, પરંતુ આ સિવાય આ વિકેટ પર બોલરોને પણ મદદ મળશે. ખાસ કરીને ઝડપી બોલરો માટે.


આંકડાઓ શું કહે છે ?


બાંગ્લાદેશ સામે ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. ભારતીય ટીમે બાંગ્લાદેશને 10 વખત હરાવ્યું છે. તે જ સમયે બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને માત્ર એક જ વાર હરાવ્યું છે. આ રીતે, આંકડા દર્શાવે છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહેશે, પરંતુ જોવાનું રહેશે કે મેચના દિવસે હવામાન કેવુ રહે છે.