India vs New Zealand Test Series 2024: ભારત છેલ્લા 12 વર્ષથી કોઈ ઘરેલુ ટેસ્ટ સિરીઝ હાર્યું નહોતું. સતત 18 સિરીઝ જીતવી એ પોતે જ એક ઐતિહાસિક સિદ્ધિ છે, પરંતુ વર્ષ 2024માં ન્યૂઝીલેન્ડે આ ક્રમને સમાપ્ત કરી દીધો છે. કીવી ટીમે પહેલા બેંગલુરુમાં 8 વિકેટે જીત નોંધાવી, પછી પુણેમાં પણ ટીમ ઈન્ડિયાને 113 રનથી હરાવીને સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. જ્યારે પણ કોઈ ટીમ હારે છે ત્યારે દોષનો ટોપલો સીનિયર ખેલાડીઓ પર ઢોળવામાં આવે છે. જો કહેવામાં આવે કે ટીમ ઈન્ડિયાની આ સિરીઝ હારવામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે કોચ ગૌતમ ગંભીરનો પણ એટલો જ ફાળો છે, તો શું તમે વિશ્વાસ કરી શકશો.
કેવી રીતે ગૌતમ ગંભીર બન્યા હારનું કારણ?
ભારતની હારમાં સૌથી મોટું પાસું ભારતની અતિ આક્રમક રમવાની શૈલીને ગણી શકાય છે. કોચ ગૌતમ ગંભીર આવા જ એગ્રેસિવ અભિગમ માટે જાણીતા છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલાં અને સિરીઝ દરમિયાન પણ ગંભીરનું કહેવું હતું કે તેઓ માત્ર જીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તેમને કેવું પણ ક્રિકેટ કેમ ના રમવું પડે. આવી જ આક્રમક વિચારધારા સાથે ઈંગ્લેન્ડ પણ રમતું આવ્યું છે, જેને 'બેઝબોલ' કહેવામાં આવે છે. પરંતુ અતિ આક્રમક વિચારધારાને કારણે આજે ઈંગ્લેન્ડ WTC ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને ફાઈનલની નજીક પણ નથી. આ હારમાંથી બોધપાઠ લઈને કોચ ગૌતમ ગંભીરે ખૂબ વધારે આક્રમક થવાને બદલે આક્રમકતા અને સમજદારી સાથે ક્રિકેટ રમવાનું વાતાવરણ બનાવવું પડશે.
સરફરાઝ ખાને બેંગલુરુ ટેસ્ટમાં ચોથા ક્રમે બેટિંગ કરતાં સદી ફટકારી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં શુભમન ગિલના પાછા ફર્યા બાદ સરફરાઝને છઠ્ઠા ક્રમે બેટિંગની જવાબદારી આપવામાં આવી. ભારતની પ્રથમ ઇનિંગ્સ 156 રને સમેટાઈ ગઈ હતી. ટીમ પહેલેથી જ બેકફુટ પર હતી, આવી સ્થિતિમાં કોચ અને મેનેજમેન્ટે બીજી ઇનિંગ્સમાં વોશિંગ્ટનને બેટિંગમાં પ્રમોટ કરીને છઠ્ઠા સ્થાને મોકલી દીધો. જ્યાં ટીમમાં સ્થિરતા જાળવી રાખવાની જરૂર હતી, ત્યાં કોચ દ્વારા સરફરાઝનો બેટિંગ ક્રમ બદલવો તેમના દબાણને દર્શાવતો હતો.
આ ઉપરાંત પુણેની પિચ સંપૂર્ણપણે સ્પિન બોલિંગને અનુકૂળ હતી. ટીમ ઈન્ડિયા 3 મુખ્ય સ્પિન બોલર સાથે મેદાનમાં ઉતરી અને સ્પિન બોલર્સે જ મેચમાં ન્યૂઝીલેન્ડની બધી 20 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર છે, પરંતુ આકાશદીપ પાસે પ્રથમ ઇનિંગ્સમાં 6 ઓવર બોલિંગ કરાવવામાં આવી અને બીજી ઇનિંગ્સમાં બોલ તેમના હાથમાં જ ન આવ્યો. શું આવી સ્થિતિમાં કુલદીપ યાદવને ચોથા સ્પિન બોલર તરીકે રમાડવો ટીમ માટે વધુ ફાયદાકારક સાબિત ન થઈ શક્યો હોત.
આ બધા કારણોનું જ પરિણામ છે કે હવે ભારત સામે અત્યંત જટિલ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. ક્યાંક એક સમયે ટીમ ઈન્ડિયા સરળતાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જવાના સપના જોઈ રહી હતી. હવે તેણે આગામી 6માંથી ચાર ટેસ્ટ મેચ દરેક હાલતમાં જીતવી પડશે, ત્યારે જ ભારત કોઈ સમસ્યા વિના WTC ફાઈનલમાં પહોંચી શકશે.
આ પણ વાંચોઃ
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ