India wins International Masters League 2025: ઈન્ડિયા માસ્ટર્સ ટીમે વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સને 6 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી.  આ ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને 148 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 17 બોલ બાકી રહેતા આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું હતું. ભારતની જીતનો સૌથી મોટો હીરો અંબાતી રાયડુ હતો, જેણે 50 બોલમાં 74 રનની મેચ વિજેતા ઇનિંગ રમી હતી.






આ છે ભારતના વિજયના હીરો


વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જેના માટે ઓપનર ડ્વેન સ્મિથે 45 રન ફટકાર્યા હતા પરંતુ બ્રાયન લારા અને વિલિયમ્સ પર્કિન્સ 6-6 રન બનાવીને આઉટ થઈ ગયા. શાહબાઝ નદીમે ઘાતક બોલિંગ કરી 4 ઓવરમાં ફક્ત 12 રન આપીને 2 વિકેટ લીધી હતી. લેન્ડલ સિમન્સે ચોક્કસપણે 57 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી પરંતુ નદીમ ઉપરાંત વિનય કુમારે પણ ભારત માટે સારી બોલિંગ કરી હતી. કુમારે મેચમાં કુલ ૩ વિકેટ લીધી હતી.






અંબાતી રાયડુ એક અલગ જ લયમાં જોવા મળ્યો હતો. રાયડુએ સચિન તેંડુલકર સાથે 67 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. તે પહેલાં સચિન 25 રન બનાવીને આઉટ થયો હતો.  ગુરકીરત સિંહ માન 14 રન બનાવીને આઉટ થયો હતો. રાયડુ એક છેડો સાચવીને બેટિંગ કરી રહ્યો હતો. 50 બોલમાં 74 રન ફટકાર્યા હતા. દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.  છેલ્લી ઓવરોમાં સ્ટુઅર્ટ બિન્નીએ 9 બોલમાં 16 રનની ઇનિંગ રમી અને ભારતની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.


માત્ર 7 દિવસ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી જીતી


ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યાને માત્ર એક અઠવાડિયું જ થયું છે. 7 દિવસમાં સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ ઇન્ડિયા માસ્ટર્સે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ જીત્યું હતું. નોંધનીય છે કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતે 7 મેચ રમી હતી, જેમાંથી તેને ફક્ત એકમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.