દુબઈઃ રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં ભારતને પાકિસ્તાનના હાથે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને પાકિસ્તાને 10 વિકેટે હરાવ્યું હતું. આ કારમી હાર સાથે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતની આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે. જો આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો પરાજય થાય છે તો તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનો ખતરો વધી શકે છે.


ભારતે ન્યુઝીલેન્ડ સામે જીતવું જ પડશે


ભારતે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા અને પોતાનું નસીબ પોતાના હાથમાં રાખવા માટે ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. પાકિસ્તાન બાદ જો ભારતને ન્યૂઝીલેન્ડ સામે પણ હાર મળે છે તો તેના પર T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાનો ખતરો ઉભો થઈ શકે છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હારની સ્થિતિમાં ભારતે ટી-20 વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામેની પોતાની આગામી ત્રણ મેચો જીતવી પડશે, સાથે જ અન્ય ટીમોની જીત અને હારના પરિણામો પર આધાર રાખવો પડશે.


પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને 2-2 મેચ હારવી પડશે


T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતને ટોપ 2માં રહેવું પડશે. ધારો કે પાકિસ્તાન પછી જો ભારતને પણ ન્યુઝીલેન્ડ સામે હાર મળે તો પ્રાર્થના કરવી પડશે કે તેની જેમ પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડમાંથી કોઈ એક મોટી ટીમ ઓછામાં ઓછી બે મેચ હારે. આમ છતાં ભારતે સારા રન રેટને ધ્યાનમાં રાખીને પોતાની આગામી બાકીની 3 મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં 2 મેચ હારવા છતાં ભારતને જીવતદાન મળી શકે છે. જો ભારતે સેમીફાઈનલમાં પહોંચવું હોય તો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મોટી ટીમનું સેમીફાઈનલની રેસમાંથી બહાર થવું જરૂરી છે. આ વાત અફઘાનિસ્તાનને પણ લાગુ પડે છે.


નાની ટીમો સાથે સાવચેત રહો


અફઘાનિસ્તાનની ટીમ ભલે સેમીફાઈનલ સુધી સફર ન કરી શકે, પરંતુ તે ભારત, પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડ જેવી મોટી ટીમની રમત બગાડી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે દરેક સમયે સતર્ક રહેવું પડશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારવાની સ્થિતિમાં ભારતે નાની ટીમો ખાસ કરીને અફઘાનિસ્તાન સાથે વધુ સાવચેત રહેવું પડશે. અફઘાનિસ્તાન મોટી ટીમોને હરાવી શકે છે. 2019ના વર્લ્ડ કપમાં પણ ભારત અફઘાનિસ્તાન સામે હારતા બચ્યું હતું.


મુજીબ અને રાશિદથી ભારતને ખતરો


સોમવારે અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે મહત્વપૂર્ણ મેચ રમવાની છે. વિરાટ કોહલીની ટીમ પાકિસ્તાન સામેની હાર બાદ દરેક મેચ જીતવાની કોશિશ કરી રહી છે, જેથી સેમીફાઈનલનો રસ્તો સાફ થઈ શકે. સ્કોટલેન્ડ સામેની મેચમાં મુજીબ ઉર રહેમાને અફઘાનિસ્તાન માટે 5ના ઈકોનોમી રેટથી 4 ઓવરમાં 20 રન આપ્યા અને 5 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તે જ સમયે, સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને 2.2 ઓવરમાં 3.85ના ઇકોનોમી રેટથી 4 વિકેટ ઝડપી હતી.