india vs sri lanka test series: ઝિમ્બાબ્વેના સફળ પ્રવાસ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયાર છે. BCCI દ્વારા આ મહત્વપૂર્ણ પ્રવાસ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. યુવા બેટ્સમેન શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે કે.એલ. રાહુલ ઉપ-કેપ્ટનની ભૂમિકા ભજવશે. આ સિરીઝથી અનુભવી ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ રહી છે, જોકે તેમની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર રહેશે. આ ઉપરાંત, સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સારાંશ જૈનને પહેલીવાર ટીમમાં તક મળી છે, જ્યારે ઈજાના કારણે વોશિંગ્ટન સુંદર ટીમની બહાર છે. આ પ્રવાસમાં ભારતીય ટીમનું લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાનું રહેશે.
WTC સાયકલ માટે મહત્વપૂર્ણ સિરીઝ
શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની વર્તમાન સાયકલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. યુવા કેપ્ટન ગિલના નેતૃત્વમાં ટીમનું લક્ષ્ય જીત સાથે શરૂઆત કરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાનું છે. પસંદગીકારોએ આ સિરીઝ માટે યુવા જોશ અને અનુભવનું શાનદાર મિશ્રણ કર્યું છે.
ટીમ પસંદગી અંગેના 5 મુખ્ય મુદ્દાઓ
1. બુમરાહ અને જાડેજાની વાપસી
ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો ભારતીય ટેસ્ટ ટીમમાં ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, બુમરાહ હાલ ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે, તેથી સંપૂર્ણ ફિટ થયા બાદ જ તે ટીમ સાથે જોડાશે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં આ બંને ખેલાડીઓ ભારતીય ટીમનો ભાગ નહોતા.
આ પણ વાંચોઃ અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
2. સાઈ સુદર્શનની ફિટનેસ પર નજર
યુવા બેટ્સમેન સાઈ સુદર્શનનો પણ ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે, પરંતુ ઈજાના કારણે તે હજુ સુધી ટીમ સાથે જોડાઈ શક્યો નથી. જસપ્રીત બુમરાહની જેમ જ તેની ઉપલબ્ધતા પણ ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત રહેશે. સંપૂર્ણ ફિટ જાહેર થયા બાદ જ તે ટીમમાં જોડાઈ શકશે.
3. સારાંશ જૈન માટે ડેબ્યૂની તક
મધ્યપ્રદેશ તરફથી સ્થાનિક ક્રિકેટમાં ધૂમ મચાવનાર 33 વર્ષીય સારાંશ જૈનને પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. ડાબા હાથનો બેટ્સમેન અને જમણા હાથનો સ્પિન બોલર સારાંશ એક શાનદાર ઓલરાઉન્ડર છે. તેણે અત્યાર સુધીમાં 54 ફર્સ્ટ-ક્લાસ મેચો રમીને 188 વિકેટ ઝડપી છે અને 2223 રન બનાવ્યા છે.
4. વોશિંગ્ટન સુંદર ટીમની બહાર
યુવા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને આ વખતે ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. સુંદર હાલમાં ઈજાનો સામનો કરી રહ્યો છે, જેના કારણે પસંદગીકારોએ તેના સ્થાને સારાંશ જૈનને ટીમમાં સામેલ કર્યો છે.
આ પણ વાંચોઃ શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
5. આકિબ નબી ડારની ફરી અવગણના
સ્થાનિક ક્રિકેટમાં સતત દમદાર પ્રદર્શન કરવા છતાં ફાસ્ટ બોલર આકિબ નબી ડારને ફરી એકવાર નિરાશા સાંપડી છે. છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવા છતાં પસંદગીકારોએ તેની અવગણના કરી છે. અગાઉ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે પણ તેને પસંદ કરવામાં આવ્યો નહોતો.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન (15 સભ્યોની ટીમ)
શુભમન ગિલ (કેપ્ટન)
કે.એલ. રાહુલ (ઉપ-કેપ્ટન)
યશસ્વી જયસ્વાલ
ઋષભ પંત (વિકેટકીપર)
દેવદત્ત પડિકલ
સાઈ સુદર્શન (ફિટનેસ ક્લિયરન્સને આધીન)
ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
રવિન્દ્ર જાડેજા
કુલદીપ યાદવ
માનવ સુથાર
જસપ્રીત બુમરાહ (ફિટનેસ ક્લિયરન્સને આધીન)
મોહમ્મદ સિરાજ
પ્રસિદ્ધ કૃષ્ણ
ગુર્નુર બ્રાર
સારાંશ જૈન
ભારત વિરુદ્ધ શ્રીલંકા ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
આ પ્રવાસ પર કુલ 2 ટેસ્ટ મેચ રમાશે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે:
પહેલી ટેસ્ટ: 15 થી 19 ઓગસ્ટ (ગાલે) - સવારે 10:00 વાગ્યે શરૂ
બીજી ટેસ્ટ: 23 થી 27 ઓગસ્ટ (કોલંબો, સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ) - સવારે 10:00 વાગ્યે શરૂ
