U19 Asia Cup 2021: ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમે યશ ધુલની કેપ્ટનશીપમાં શ્રીલંકાની અંડર-19 ટીમને હરાવી એશિયા કપ 2021નું ટાઇટલ જીતી લીધુ છે. વર્ષ 2021ના અંતિમ દિવસે ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમે એશિયન ચેમ્પિયન બની હતી. આ ટુનામેન્ટમાં ટીમ ઇન્ડિયાની સફર શાનદાર રહી હતી અને અંતમાં ચેમ્પિયન બની હતી.






આ સાથે જ ભારતીય અંડર 19 ટીમે આઠમી વખત ટાઇટલ જીત્યું છે. જોકે વર્ષ 2012માં ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા બન્યા હતા. ફાઇનલ મેચમાં ભારતનું પ્રદર્શન યુએઇમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં વરસાદે વિઘ્ન પેદા કર્યું હતું. દરમિયાન શ્રીલંકાએ 38 ઓવરમાં નવ વિકેટ પર 106 રન બનાવ્યા છે. વરસાદના કારણે ડકવર્થ લૂઇસના નિયમોના આધાર પર મેચ 38-38 ઓવરની કરી દેવામાં આવી હતી અને બાદમાં ભારતને જીતવા માટે 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો ભારતીય ટીમે સરળતાથી કરી દીધો હતો. પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાના બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ તરફથી બેસ્ટ સ્કોર કરનાર બેટ્સમેન યાશિરૂ રોડ્રિગો રહ્યો જેણે અણનમ 19 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી વિક્કી ઓસવાલે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કૌશલ તાંબેએ બે સફળતા મેળવી હતી. તે સિવાય રાજવર્ધન હેંગકગેકર, રવિ કુમાર અને રાજ બાવાએ એક-એક વિકેટ ઝડપી હતી. ભારતની પ્રથમ વિકેટ હરનૂર સિંહના રૂપમાં પડી હતી. બાદમાં અંગક્રિશ રઘુવંશીએ અણનમ 56 રન અને શેખ રશીદે અણનમ 31 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાને નવ વિકેટે જીત અપાવી હતી. ભારતે 21.3 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 104 રન બનાવી ફાઇનલ મેચ જીતી લીધી હતી. અંગક્રિશે ચોગ્ગો ફટકારી ટીમને ચેમ્પિયન બનાવી હતી.