IND vs AUS, 2nd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં, જ્યાં ભારતીય ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી, બીજી મેચમાં, પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર વાપસી કરી અને 10 વિકેટથી મેચ જીતી લીધી અને શ્રેણીમાં 1-1થી બરાબરી કરી હતી. બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાના બોલર મિચેલ સ્ટાર્કનો કહેર જોવા મળ્યો અને તેણે કુલ 5 વિકેટ પોતાના નામે કરી લીધી.


મિચેલ સ્ટાર્કની આ શાનદાર બોલિંગને કારણે ભારતીય ઈનિંગ માત્ર 26 ઓવરમાં 117 રન પર સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાની આ કારમી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા પણ ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો હતો અને તેણે આ હાર વિશે કહ્યું કે અમે મેચમાં સારી બેટિંગ કરી ન હતી, જેના કારણે અમારે આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.


રોહિત શર્માએ મેચ પુરી થયા પછી કહ્યું કે આ વિકેટ 117 રનની નહોતી, અમારે વધુ સારી બેટિંગ કરવાની જરૂર હતી, પરંતુ અમે વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવતા રહ્યા, જેનો ભોગ અમારે સહન કરવું પડ્યું. શુભમનની વિકેટ ગુમાવ્યા પછી, વિરાટ અને મેં ઝડપથી 30 થી 35 રન ઉમેર્યા, પરંતુ મારી વિકેટ પડવાથી અમે એક પછી એક થોડી વધુ વિકેટો ગુમાવી દીધી, જેના કારણે અમે સંપૂર્ણપણે બેક ફૂટ પર આવી ગયા.


રોહિતે સ્ટાર્કના વખાણ કર્યા


પોતાના નિવેદનમાં રોહિત શર્માએ મિચેલ સ્ટાર્કની બોલિંગ વિશે આગળ વાત કરતા કહ્યું કે, તે એક મહાન બોલર છે અને નવા બોલ સાથે શું કરવું તે વધુ સારી રીતે જાણે છે. તે સતત એવી જગ્યાએ બોલિંગ કરે છે જ્યાંથી રન બનાવવા સરળ કામ નથી. નવા બોલથી સ્વિંગ કરવું અને જૂના બોલથી રન રોકવા એ સ્ટાર્કની ખાસિયત છે. મિશેલ માર્શની વિસ્ફોટક બેટિંગ પર રોહિતે કહ્યું કે જ્યારે પાવર હિટિંગની વાત આવે છે તો મિચેલ માર્શની ગણતરી એવા ખેલાડીઓમાં થાય છે જેઓ આ કામ કેવી રીતે કરવું તે સારી રીતે જાણે છે.


ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની શાનદાર 100 રનની પાર્ટનરશીપ


ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમોએ શાનદાર બેટિંગ કરી હતી, બન્ને બેટ્સમેનોએ અર્ધશતકીય ઇનિંગ રમી હતી, અને બન્ને વચ્ચે શાનદાર શતકીય ભાગીદારી થઇ હતી. 118 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ટ્રેવિસ હેડે 30 બૉલમાં 10 ચોગ્ગા સાથે 51 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મિશેલ માર્શે 36 બૉલમાં આક્રમક બેટિંગ કરતાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 66 રનની ઇનિંગ રમી હતી. ઓપનિંગ જોડીની શાનદાર બેટિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં શાનદાર 10 વિકેટથી જીત હાંસલ કરી હતી.