India vs Australia Final World Cup 2023: આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023નો ઉત્સાહ ચરમસીમાએ છે. હવે ફેન્સ ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે. આવતીકાલે રવિવારે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા ત્રીજીવાર ટાઈટલ જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવશે. તેણે કાંગારૂ ટીમ સાથે 20 વર્ષ જુનો હિસાબ પણ ચૂક્તે કરવો પડશે, પરંતુ જો ફાઇનલ મેચમાં વરસાદ પડશે તો ફાઈનલની મજા બગડી જશે. આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. પરંતુ જો વરસાદને કારણે મેચ તેમ છતાં પૂરી ના થઈ શકે તો શું? જાણો આના માટેનો આઇસીસીના નવા નિયમ વિશે... 


રવિવારે અમદાવાદમાં કેવું રહેશે હવામાન 
રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં રમાશે. રવિવારે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે આછો તડકો રહેશે. દિવસનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.


વરસાદ પડશે તો શું થશે ? 
રવિવારે હવામાન સ્વચ્છ રહેશે. પણ જો વરસાદ પડે તો? આ સવાલ ફેન્સના મનમાં આવી શકે છે. જો મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ જાય છે, તો તે રિઝર્વ ડે પર રમાશે. આઈસીસીએ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જ્યારે મેચ 20-20 ઓવરની પણ રમી શકાતી નથી ત્યારે રિઝર્વ ડે લાગુ કરવામાં આવે છે. જો કે, એમ્પાયરો પહેલા જ દિવસે મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે.


ભારત-ઓસ્ટ્રેલિયાને સંયુક્ત રીતે ક્યારે જાહેર કરવામાં આવી શકે છે સંયુક્ત વિજેતા 
આઈસીસીના નિયમો અનુસાર, જો ફાઈનલ મેચ નિર્ધારિત તારીખે ના થઈ શકે તો તે રિઝર્વ ડે પર રમાશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રૉફી 2002ની ફાઈનલ મેચમાં આ જોવા મળ્યું હતું. ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડકપના 48 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે સુધી પહોંચી નથી.