સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ચાર ટેસ્ટ મેચની સીરિઝ હાલ 1-1થી બરાબર છે. બંને ટીમો ત્રીજી ટેસ્ટમાં જીત મેળવીને સીરિઝમાં લીડ લેવાનો પ્રયત્ન કરશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમનો બેટ્સમેન કેએલ રાહુલ ઇજાના કારણે બહાર થઈ ગયો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, એક પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને કાંડામાં ઈજા થઈ હતી. જેના કારણે હવે તે ટેસ્ટ સીરિઝ રમવાની હાલતમાં નથી. તેને હવે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સીરિઝની પ્રથમ બંને ટેસ્ટમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો નહોતો.



શનિવારે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં નેટ્સમાં બેટિંગ કરતી વખતે રાહુલને કાંડામાં ઇજા થઈ હતી. જેના કારણે હવે તેને ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ડોક્ટરોની ટીમનું કહેવું છે કે તેને પૂરી રીતે ઠીક થવામાં ત્રણ સપ્તાહનો સમય લાગી શકે છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ ઈન્ડિયા હાલ ખેલાડીઓની ઈજાનો સામનો કરી રહી છે. ઈશાંત શર્મા સીરિઝ પહેલા જ બહાર થઈ ગયો હતો. પ્રથમ ટેસ્ટ બાદ મોહમ્મદ શમી અને બીજી ટેસ્ટ બાદ ઉમેશ યાદવ ઈજાના કારણે બહાર થઈ ગયા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ બાદ પેટરનિટી લીવ પર સ્વદેશ પરત ફર્યો છે.