સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવાર 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમાશે. ટેસ્ટ સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી છે. ડેવિડ વોર્નર બાદ વિલ પોકોવસ્કી પણ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ જાણકાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ માર્કસ હેરિસને પોકોવસ્કીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં પસંદ કર્યો છે.


ઓસ્ટ્રેલિયા માટે 9 ટેસ્ટ રમી ચુકેલા હેરિસની ગત વર્ષે રમાયેલી એશિઝ સીરિઝ બાદ ટીમમાં વાપસી થઈ છે. ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટુર્નામેન્ટમાં તેણે શાનદાર ફોર્મ બતાવ્યું છે અને સાઉથ ઓસ્ટ્રેલિયા સામે 239 રનની ઈનિંગ પણ રમી હતી.



ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું, અમારી ટીમના ખેલાડી પાછલા થોડા સમયથી ઈજાગ્રસ્ત થયા છે. તેથી રિપ્લેસમેંટનો વિકલ્પ અજમાવવો પડે છે. હેરિસ ટીમ સાથે જોડાઈ રહ્યો છે. તેણે વિક્ટોરિયા માટે તાજેતરમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નર બોક્સિંગ ડે ટેસ્ટથી ટીમ સાથે ફરીથી જોડાવાની આશા વ્યક્ત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, ડેવિડ અને વિલ પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. અમને આશા છે કે વોર્નર બોક્સિંગ ડે ટેસ્ટ સુધીમાં પૂરી રીતે ફિટ થઈ જશે.