IPL 2023 Mini Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની હરાજીની તારીખ જાહેર થયા બાદ ફરી એક સવાલ ઊભો થયો છે કે શું ચેન્નાઈ સુપર કિંગ્સ અને રવિન્દ્ર જાડેજા વચ્ચેનો સંબંધ અકબંધ રહેશે? CSK તરફથી સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિન્દ્ર જાડેજા તેની ટીમ સાથે રહેશે. પરંતુ અહેવાલો દ્વારા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રવિન્દ્ર જાડેજાએ CSKથી અલગ થવાનો નિર્ણય લીધો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હરાજી પહેલા CSK દ્વારા જાડેજાને રોકવાનો છેલ્લો પ્રયાસ કરવામાં આવશે.
ઈનસાઈડ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, આગામી 5 કે 6 દિવસમાં CSKમાં રવિન્દ્ર જાડેજાના ચાલુ રાખવા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CSK ટીમ મેનેજમેન્ટ એક સપ્તાહની અંદર રવિન્દ્ર જાડેજાનો સંપર્ક કરશે. જો જાડેજાનો સંપર્ક થઈ શકતો નથી, તો CSK મીની હરાજી પહેલા તેને મુક્ત કરશે.
CSK ટીમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિ જાણે છે કે CSK અને રવિન્દ્ર જાડેજા વચ્ચે બધુ બરાબર નથી. છેલ્લા ઘણા મહિનાઓથી, રવિન્દ્ર જાડેજા CSK મેનેજમેન્ટના ફોન કૉલ્સ અને સંદેશાઓનો જવાબ આપી રહ્યા નથી. પરંતુ હજુ સુધી જાડેજાનો CAK સાથે કાનૂની કરાર છે. જેથી જાડેજા સાથે સંપર્ક સાધવાનો છેલ્લો પ્રયાસ કરવામાં આવશે. જો જાડેજા જવાબ નહીં આપે તો CSK તેની મુક્તિ અંગે BCCIને જાણ કરશે.
આ કારણે સંબંધો બગડ્યા
બીસીસીઆઈએ આઈપીએલની તમામ 10 ટીમોને 15 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે કે તેઓ જાહેર કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે 16 ડિસેમ્બરે બેંગ્લોરમાં મિની ઓક્શન યોજાવાની છે. BCCIએ પણ ટીમોને ખેલાડીઓની ખરીદી માટે આ વખતે 90 કરોડને બદલે 95 કરોડ રૂપિયાનું બજેટ રાખવાની મંજૂરી આપી છે. પરંતુ રિટેન કરાયેલા ખેલાડીઓની ફી પણ આ બજેટમાંથી કાપવામાં આવશે.
જો CSK ટીમ રવિન્દ્ર જાડેજાને રિલીઝ કરે છે, તો નવા ખેલાડીઓની ખરીદી માટે તેનું બજેટ 19.45 કરોડ રૂપિયા હશે. આટલા પૈસાથી CSK ટીમ બે કે ત્રણ સારા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે.
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને CSK વચ્ચેના ખરાબ સંબંધો આ વર્ષથી શરૂ થયા હતા. IPLની 15મી સિઝન માટે જાડેજાને અચાનક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે મધ્ય સિઝનમાં જ જાડેજાને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટના નિર્ણયથી જાડેજા દુખી છે અને તેના કારણે તે હવે નવી ટીમ સાથે જોડાવા માંગે છે.