બ્રિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 294  રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રનમાં 5 અને શાર્દુલ ઠાકુરે 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી.


આ દરમિયાન સિરાજના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો હતો. તેણે ડેબ્યૂ ટેસ્ટ સીરિઝમાં 13 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયામાં કઇ ભારતીય ડેબ્યૂ બોલર દ્વારા સીરિઝમાં સૌથી વધુ વિકેટનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. સિરાઝ પહેલા 1991-92માં જવાગલ શ્રીનાથે ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કરતાં 10 વિકેટ ઝડપી હતી. સિરાજે આ દિગ્ગજ ભારતીય બોલરનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો.

વર્તમાન સીરિઝમાં 5 વિકેટ લેનારો તે માત્ર બીજો બોલર બન્યો હતો. આ પહેલા હેઝલવુડે 5 વિકેટ લેવાનું કારનામું 2 વખત કરી ચુક્યો છે. ભારત તરફથી અશ્વિન કે બુમરાહ જેવા દિગ્ગજ બોલર પણ આ કારનામું કરી શક્યા નથી. ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ વખત કોઈ બોલરે શ્રેણીમાં ઈનિંગ દરમિયાન પાંચ વિકેટ લીધી હતી.



ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરાયા હતા. હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ઈજાને કારણે મેચ નથી રમી રહ્યા. તેમના સ્થાને શાર્દૂલ ઠાકુર, ટી. નટરાજન, વી. સુંદર અને મયંક અગ્રવાલ રમી રહ્યા છે, જે પૈકી ઠાકુર, નટરાજન, સુંદર ડેબ્યૂ કર્યુ હતું.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન