સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુકસાન પર 283 રન બનાવી લીધા છે. સ્મિથ 81 રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી.


આ દરમિયાન સ્ટીવ સ્મિથે એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સ્ટીવ સ્મિથે એક જ ટેસ્ટમાં સદી અને અડધી સદીનું કારનામું 10મી વખત કર્યુ હતું. તેણે પ્રથમ ઈનિંગમાં 131 અને બીજી ઈનિંગમાં 81 રનની ઈનિંગ રમી હતી.

એક જ ટેસ્ટમાં સદી અને અડધી સદી મારવાના મામલે સાઉથ આફ્રિકાનો પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસ બીજા ક્રમે છે. તેણે 9 વખત આ પરાક્રમ કર્યું છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટ કૂકે ટેસ્ટ કરિયરમાં 8 વખત આ સિદ્ધી મેળવી છે અને તે ત્રીજા ક્રમે છે.

એલન બોર્ડર, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા અને વિરાટ કોહલી 7 વખત આ સિદ્ધી મેળવી ચુક્યા છે. જ્યારે આ બધા દિગ્ગજો સંયુક્ત રીતે ચોથા ક્રમે છે.