નવી દિલ્હીઃ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત પ્રથમ ટેસ્ટ ડેનાઇટ ટેસ્ટ મેચમાં હારી ગઇ છે. આ સાથે ઓસ્ટ્રેલિયા ટીમે સીરીઝમાં 1-0થી લીડ બનાવી દીધી છે. ભારતના ખરાબ પ્રદર્શન પર ખુદ કોહલી પણ ભડક્યો અને ટીમની કેટલીક ભૂલોને તેને બતાવી છે, ટીમ ઇન્ડિયાએ કેટલાક મહત્વના કેચ છોડ્યા અને ખરાબ ફિલ્ડિંગ કરી જેના કારણે ભારતે પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી છે.

કોહલીએ હારને લઇને કહ્યું કે, ભારતીય ફિલ્ડરોએ કેચ છોડ્યા જેનો ઓસ્ટ્રેલિયાને ફાયદો મળ્યો. મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેનનો કેચ છોડ્યો હતો. પેને અણનમ 73 રન બનાવતા ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગમાં 191 રનના સ્કૉર પર પહોંચાડ્યુ હતુ. પેનનો કેચ જ્યારે છુટ્યો ત્યારે તે 26 રન પર હતો. આ પછી માર્નસ લાબુશાનેના પણ કેટલાક કેચ છોડ્યા હતા.



કોહલીએ કહ્યું કે, પેનનો કેચ ખુબ મહત્વનો હતો, તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 7 વિકેટ ગુમાવીને 110 રન પર હતો. ત્યાં પેનને મોકો મળ્યો અને પેને ટીમમાં 70 રન બીજા જોડી દીધા.

કોહલીએ કહ્યું લાબુશાનેના પણ કેટલાક કેચ છુટ્યા, એક ટીમ તરીકે તમારે આ પ્રકારના કેચ છોડવા ભારે પડી શકે છે. આવા કેચથી પરિણામ જરૂર બદલાઇ જાય છે. આવા મોકા વારંવાર નથી મળતા.

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ પ્રથમ ટેસ્ટ મેચ રમીને હવે ભારત પરત ફરી રહ્યો છે, વિરાટની પત્ની અનુષ્કા જાન્યુઆરીની શરૂઆતમાં પહેલા બાળકની માતા બનવાની છે.