Rohit Sharma India vs bangladesh ODI: બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝ હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર દીપક ચહર અને કુલદીપ સેન ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે. આ જાણકારી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આપી છે.
વાસ્તવમાં ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ બુધવારે રમાઈ હતી. જેમાં આ ત્રણેય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ આ મેચમાં ભારતીય ટીમને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાંગ્લાદેશે પ્રથમ વનડેમાં એક વિકેટથી જીત મેળવી હતી. આ રીતે તેણે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે.
રોહિત, કુલદીપ, દીપક મુંબઈ પરત ફરશે
પરંતુ હવે સિરીઝની ત્રીજી વનડે 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. બીજી વનડેમાં હાર્યા બાદ કોચ રાહુલ દ્રવિડે આ અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચોક્કસપણે કુલદીપ, દીપક અને રોહિત આગામી મેચમાં રમી શકશે નહીં. કુલદીપ અને દીપક શ્રેણીમાંથી બહાર છે. રોહિત આગામી મેચ પણ રમી શકશે નહીં.
કોચ દ્રવિડે કહ્યું હતું કે તે મુંબઈ પરત ફરશે , જ્યાં નિષ્ણાતો તેની તપાસ કરશે. આ પછી જ ખબર પડશે કે તે ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે કે નહીં. પરંતુ આ ત્રણેય સિરીઝની છેલ્લી વનડે રમી શકશે નહીં તે નિશ્ચિત છે.
વાસ્તવમાં રોહિતને આ ઈજા બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન બીજી ઓવરમાં જ થઈ હતી. આ ઓવર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કરી હતી. રોહિત બીજી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ઓવરના ચોથા બોલ પર અનામુલ હકનો કેચ પકડવા જતા રોહિતને બોલ વાગતાં તેના ડાબા હાથના અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટ્વિટ કર્યું કે BCCI મેડિકલ ટીમ તેની ઈજાની તપાસ કરી રહી છે. તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે કુલદીપ સેનને પીઠની સમસ્યા છે.