ઈશાંત શર્માએ લોરેંસની વિકેટ લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં 300મી વિકેટ ઝડપી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારો ભારતનો માત્ર ત્રીજો ફાસ્ટ બોલર બન્યો હતો. આ પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન આ કારનામું કરી ચુક્યા છે. કપિલ દેવે 131 ટેસ્ટમાં 434 વિકેટ અને ઝહીર ખાને 92 ટેસ્ટમાં 311 વિકેટ લીધી છે.
ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 619 વિકેટ ઝડપી છે. તે પછી 423 વિકેટ સાથે કપિલ દેવ બીજા, 417 વિકેટ સાથએ હરભજન ત્રીજા, 382 વિકેટ સાથે અશ્વિન ચોથા અને 311 વિકેટ સાથે ઝહીરખાન પાંચમા ક્રમે છે. ઈશાંત ટેસ્ટ ક્રિકેટમાં 300 કે તેથી વધુ વિકેટ લેનારો ભારતનો છઠ્ઠો બોલર બન્યો હતો.
ઈંગ્લેન્ડે ન કર્યુ ફોલોઓન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ઈંગ્લેન્ડને 241 રનની તોતિંગ લીડ મળી હતી. જોકે તેમ છતાં ઈંગ્લેન્ડે ભારતને ફોલોઓન કરવાનો નિર્ણય લીધો નહોતો. વોશિંગ્ટન સુંદર 85 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેસે 4, જેલ લીચ, જેમ્સ એન્ડરસન અને જોફ્રા આર્ચરે 2-2 વિકેટ ઝડપી હતી. ચોથા દિવસે અશ્વિનની વિકેટ પડવાની સાથે જ ભારત જલદીથી ઓલઆઉટ થઈ જશે તે નિશ્ચિત થઈ ગયું હતું. અશ્વિન અને સુંદરે સાતમી વિકેટ માટે 80 રન ઉમેર્યા હતા. આ પાર્ટનરશિપને જેક લીચે તોડી હતી. ભારતે આજે 80 રન ઉમેરીને 4 વિકેટ ગુમાવી હતી.