ચેન્નઈઃ કોરોના વાયરસના ભય વચ્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણી ફક્ત બાયો બબલમાં જ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં પ્રેક્ષકોને મેદાનમાં એન્ટ્રી આપવામાં આવી નથી. ભારતમાં કોવિડ 19 ના કેસોમાં હવે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોવાથી, 13 ફેબ્રુઆરીથી રમાનારી બીજી ટેસ્ટમાં બીસીસીઆઈએ દર્શકોને મેદાન પર મેચ જોવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. બીજી ટેસ્ટ મેચનું ટિકિટ વેચાણ આજથી એટલે કે સોમવારથી શરૂ થવા જઇ રહ્યું છે.


ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે  શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાશે. 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી બીજી ટેસ્ટની ટિકિટ ફક્ત ઓનલાઇન મળશે. તમિલનાડુ ક્રિકેટ સંઘે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે સ્ટેડિયમની 50 ટકા બેઠકો બીજી ટેસ્ટ માટે દર્શકોથી ભરવામાં આવશે.

ટીએનસીએએ રવિવારે જણાવ્યું હતું કે સોમવારે સવારે 10 વાગ્યાથી પેટીએમ એપ અને પેટીએમ ઇન્સાઇડર એપ દ્વારા ટિકિટ સામાન્ય રીતે વેચાણ કરવામાં આવશે. ઉપરાંત ઇનસાઇડર ડોટ કોમ અને પેટીએમ ડોટ કોમ પરથી ટિકિટ ખરીદી શકાશે. ટિકિટના ભાવ 100 થી 200 રૂપિયા રાખવામાં આવ્યા છે.

બીજી ટેસ્ટ બાદ બંને ટીમો અમદાવાદ આવશે. જ્યાં ચાર મેચની શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ મેચ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે. 24-28 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી ત્રીજી મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે જ્યારે 4 થી 8 માર્ચ સુધી રમાનારી છેલ્લી મેચ  લાલ બોલથી રમાશે.