અમદાવાદઃ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ત્રીજી મેચ રમાશે. મેચમાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેંસલો લીધો છે. પ્રથમ બે ટી20માં બન્ને ટીમો 1-1 બરાબરી કરી ચૂકી છે. પ્રથમ બે ટી20માંથી ઉપકેપ્ટન રોહિત શર્માને બહાર રખાયો હતો, પરંતુ આજે ટીમમાં તેની વાપસી થઈ છે અને સૂર્યકુમાર યાદવને બહાર કરાયો છે.


ટીમ ઇન્ડિયા માટે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સીરીઝ ખુબ મહત્વની છે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં પોતાના યુવા ખેલાડીઓને વધુમાં વધુ મોકો આપવા માગે છે. બીજી ટી20માં ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ડેબ્યૂનો મોકો મળ્યો હતો. ઈશાન કિશને મળેલી તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. જ્યારે આઈપીએલમાં પોતાની બેટિંગ દ્વારા વિરોધી ટીમ પર અનેક વખત ભારે પડનારા સૂર્યકુમાર યાદવને મોકો જ મળ્યો નહોતો. તેમ છતાં રોહિત શર્માને ટીમમાં સામેલ કરવા પર તેને કાઢી મુકવામાં આવ્યો છે.



ભારતીય ટીમઃ ઈશાન કિશન, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેંદ્ર ચહલ


ઈંગ્લેન્ડની ટીમઃ જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ


ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચ....


અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે, આ કારણે મેચમાં દર્શકોને આવવાની અનુમતી નથી આપવામાં આવી. ગુજરાતી ક્રિકેટ સંઘે ફેંસલો કર્યો છે કે હવે પછીની ત્રણેય ટી20 મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે, લગભગ 40 હજારથી વધુ ટિકીટો વેચાઇ ગઇ છે, પરંતુ હવે તે લોકોને તેમના ટિકીટના પૈસા પાછા આપી દેવામા આવશે.


ટીમ ઇન્ડિયાને આઇસીસીએ ફટકાર્યો છે દંડ....


ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે ત્રીજી મેચ છે, અને આ મેચ પહેલા ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આઈસીસીએ રવિવારે રમાયેલ બીજી ટી20 મેચમાં સ્લો ઓવર રેટ માટે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 20 ટકા દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, ભારતીય ટીમને મેચ દરમિયાન નક્કી સમયમાં એક ઓવર ઓછી ફેંકવાની દોષી ગણવામાં આવી છે. ત્યાર બાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે તેના પર દંડ ફટકાર્યો છે.