Gurpatwant Singh Pannu Threatening Video: ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ અગાઉ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ઈંગ્લેન્ડની ટીમને મેચ રદ કરીને પરત ફરવાની ધમકી આપી છે. તેણે આ અંગે ઝારખંડના નક્સલવાદીઓને ઉશ્કેર્યા છે. પન્નુએ કહ્યું છે કે રાંચીમાં યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ તાત્કાલિક રદ કરવી જોઈએ. આ મામલે મંગળવારે રાંચીના ધુર્વા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નક્સલવાદીઓના નામે જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તેણે કહ્યું છે કે રાંચીનું જેએસસીએ સ્ટેડિયમ આદિવાસીઓની જમીન પર બનેલું છે. મેચ આદિવાસીઓની જમીન પર ન રમાવી જોઈએ. પન્નુએ આ વીડિયો યુટ્યુબ પર રિલીઝ કર્યો છે. તેણે માઓવાદીઓને રાંચીમાં યોજાનારી ટેસ્ટ મેચ રદ કરાવવા માટે ઝારખંડ અને પંજાબમાં હંગામો કરવા કહ્યું છે.
ભારત અને ઈંગ્લેન્ડના કેપ્ટનોને ધમકી આપી
પન્નુએ યુટ્યુબ દ્વારા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સને પણ ધમકી આપી છે. તેણે ઈંગ્લેન્ડના કેપ્ટનને ભારત પ્રવાસ કેન્સલ કરીને ટીમ સાથે પરત ફરવાનું પણ કહ્યું હતું. પન્નુની ધમકી મળ્યા બાદ ઝારખંડ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટેડિયમથી લઈને હોટલ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટથી હોટલ સુધી દરેક ખૂણે પોલીસ તૈનાત છે. એરપોર્ટને પણ સિક્યોરિટી કોર્ડન હેઠળ લેવામાં આવ્યું છે.
કોણ છે પન્નુ?
નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ 14 ફેબ્રુઆરી 1967ના રોજ પંજાબમાં થયો હતો. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે જ્યારે એક ભાઈ વિદેશમાં રહે છે. ક્યારેક કેનેડામાં તો ક્યારેક અમેરિકામાં રહીને તે ત્યાં રહેતા હિન્દુઓને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યો છે.
પન્નુએ પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે અમેરિકામાં કાયદાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. પન્નુએ 2007માં 'શીખ ફોર જસ્ટિસ' નામનું સંગઠન બનાવ્યું હતું. જુલાઈ 2020માં ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતીય જાસૂસી સંસ્થાનો દાવો છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે તે ભારતમાં હથિયારોની દાણચોરી અને હિંસક ગતિવિધિઓને અંજામ આપે છે.