IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે 28 રને જીતી લીધી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન કર્યા હતા. જેના  જવાબમાં ભારતે 436 રન કર્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.






ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રને હરાવ્યું છે. આ મેચમાં ચોથા દિવસની શરૂઆત સુધી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી પરંતુ છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર બોલિંગ કરી અને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે આ મેચ 190 રનથી પાછળ રહીને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની આ ઐતિહાસિક જીતના હિરો ઓલી પોપ હતો, જેણે બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા હતા અને ટોમ હાર્ટલી જેણે બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી હતી. ભારતીય ટીમ તેની છેલ્લી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે હારી ગઈ હતી.  


હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા. જવાબમાં ભારતે 436 રન બનાવ્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.


ભારતીય બેટ્સમેનો હાર્ટલીની સ્પિન બોલિંગમાં ફસાયા


ભારતીય ટીમે બીજા દાવમાં શાનદાર શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને રોહિત શર્માએ મળીને પ્રથમ વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા ટોમ હાર્ટલીએ યશસ્વીને આઉટ કરીને ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હાર્ટલીએ શુભમન ગિલ, કેપ્ટન રોહિત અને અક્ષર પટેલને આઉટ કરીને ભારતનું ટેન્શન વધાર્યું હતું. કેએલ રાહુલ પણ જો રૂટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા બેન સ્ટોક્સના હાથે રન આઉટ થયો હતો.


શ્રેયસ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે લીચની સ્પિનમાં ફસાઈ ગયો. 119 રનમાં સાત વિકેટ પડી ગયા બાદ કેએસ ભરત અને આર. અશ્વિન વચ્ચે 57 રનની ભાગીદારી થઈ હતી. એવું લાગતું હતું કે બંને ખેલાડીઓ સાથે મળીને ભારતને જીતની નજીક લઈ જશે, પરંતુ ફરી એકવાર ટોમ હાર્ટલીએ બંનેને પેવેલિયન મોકલીને ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ પછી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે મળીને 25 રનની ભાગીદારી કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. એવું લાગતું હતું કે મેચ પાંચમા દિવસે જશે પરંતુ ચોથા દિવસની રમતની છેલ્લી ઓવરમાં હાર્ટલેએ સિરાજને આઉટ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.