AUS vs WI Test Match Wins: વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝે 8 રને જીતી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પણ ઓસ્ટ્રેલિયાને રોમાંચક મેચમાં હરાવીને સીરીઝ 1-1થી બરાબર કરી લીધી હતી. આ મેચની પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝે 311 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 289 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 193 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 216 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમ માત્ર 207 રન જ બનાવી શકી હતી અને 8 રનથી મેચ હારી ગઈ હતી.


વેસ્ટ ઈન્ડિઝે 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવ્યું - ઓસ્ટ્રેલિયામાં વેસ્ટ ઈન્ડિઝની છેલ્લી જીત 1997માં પર્થમાં થઈ હતી. આ પ્રથમ વખત હતું જ્યારે કાંગારુ ટીમ ડે-નાઈટ ટેસ્ટ મેચ હારી હોય. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ સતત 11 ડે-નાઈટ ટેસ્ટ મેચ જીતી હતી.


ગાબા મેદાનને ઓસ્ટ્રેલિયાનો અજેય કિલ્લો માનવામાં આવે છે. જોકે, ભારતે 2021માં આ મેદાન પર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને વેસ્ટ ઈન્ડિઝે પણ આવું જ કર્યું છે. ખાસ વાત એ છે કે 1988 બાદ ઓસ્ટ્રેલિયા આ મેદાન પર માત્ર ત્રીજી ટેસ્ટ હાર્યું છે. વેસ્ટ ઈન્ડિઝને 1988માં હરાવ્યું હતું. ભારતે 2021માં હાર આપી હતી અને હવે વેસ્ટ ઈન્ડિઝને હાર મળી છે. હવે ગાબાનો ઘમંડ તૂટી ગયો છે.




મેચમાં શું થયુ ?
વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ખરાબ શરૂઆત બાદ કાવીમ હોજના 71 અને જોશુઆ ડી સિલ્વાના 79 રનની ઈનિંગ્સને સંભાળી લીધી હતી. કેવિન સિંકલેરે 50 રન અને અલ્ઝારી જોસેફે 32 રનની ઇનિંગ રમીને ટીમનો સ્કોર 311 રન સુધી પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે ચાર વિકેટ ઝડપી હતી. હેઝલવુડ અને લિયોનને બે-બે વિકેટ મળી હતી.


ઓસ્ટ્રેલિયાએ પણ પ્રથમ દાવમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. ખ્વાજાના 75 રન અને એલેક્સ કેરીના 65 રન ટીમને 54/5 સુધી લઈ ગયા હતા. કેપ્ટન કમિન્સે અણનમ 64 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 289 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. હેઝલવુડ બેટિંગ કરવા આવ્યો ન હતો. વેસ્ટ ઈન્ડિઝના અલઝારી જોસેફે ચાર અને કેમાર રોચે ત્રણ વિકેટ ઝડપી હતી.


બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. કિર્ક મેકેન્ઝીએ સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. એલીક અથાન્જેએ 35 રન અને જસ્ટિન ગ્રેવસે ​​33 રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઈનિંગમાં 193 રન બનાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોશ હેઝલવુડ અને નાથન લિયોને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે બીજા દાવમાં સ્ટીવ સ્મિથે અણનમ 91 રન બનાવ્યા હતા, પરંતુ તેને કોઈનો સાથ મળ્યો નહોતો. તેના સિવાય કેમેરોન ગ્રીને 42 રન અને મિચેલ સ્ટાર્કે 21 રનનું યોગદાન આપ્યું હતું. અંતે ઓસ્ટ્રેલિયન ટીમ 207 રનમાં સમેટાઈ ગઈ હતી. સ્મિથ એક છેડે અણનમ રહ્યો હતો. તે પોતાની સદી ચૂકી ગયો અને ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહીં.


વેસ્ટ ઈન્ડિઝ માટે શમર જોસેફે સાત વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. જોસેફે મેચમાં આઠ વિકેટ ઝડપી હતી.