IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ થઈ ગયું છે. ભારત ઓવલમાં 50 વર્ષ બાદ ટેસ્ટ મેચ જીત્યું હતું. ભારતની આ જીત પર પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને અભિનંદ આપ્યા હતા.


પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને લખ્યું, રસીકરણના મોર્ચે અને ક્રિકેટ પિચ પર મહાન દિવસ (ફરીથી) હંમેશાની જેમ #TeamIndia ની જીત. #SabkiVaccineMuftVaccine.


સોમવારે દેશમાં કોરોના વેક્સીનેશન મામલે ફરીથી એક રેકોર્ડ બન્યો હતો. દેશમાં એક કરોડથી વધારે વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા. છેલ્લા 11 દિવસમાં ત્રીજી વખત એક કરોડથી વધુ લોકોને ડોઝ અપાયા હતા. આ હિસાબે મોદીએ વેક્સિનેશન અને ક્રિકેટ માટે શાનદાર દિવસ કહ્યો હતો.


ઓવલમાં રમાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ જીત માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે અંગ્રેજ ટીમ 210 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 2-1ની લીડ લીધી છે. ભારત છેલ્લે આ મેદાન પર 1971માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં જીત્યું હતું.




બુમરાહે બનાવ્યો રેકોર્ડ


ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બન્યો હતો. બુમરાહે આ રેકોર્ડ માત્ર 24 મેચમાં બનાવ્યો હતો. તેના પહેલા ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ ફાસ્ટ બોલર કપિલ દેવ (25 ટેસ્ટ)ના નામે નોંધાયો હતો. કપિલ પછી ઈરફાન પઠાણ (29), મોહમ્મદ શમી (29) અને જવાગલ શ્રીનાથ (30)ના નામ આવે છે. ત્રણ વર્ષ પહેલા ડેબ્યૂ કરનાર બુમરાહ ટીમ ઈન્ડિયાના સૌથી શાનદરા બોલર છે. ચોથી ટેસ્ટ મેચની શરુઆતમાં જ બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. બુમરાહ 67 વનડે મેચોમાં ટીમ ઈન્ડિયા તરફથી 108 વિકેટ મેળવી ચૂક્યો છે. જ્યારે ટી 20 મેચોની વાત કરવામાં આવે તો 50 મેચોમાં 59 વિકેટ ઝડપી છે. બુમરાહ જ્યારે ટીમ ઈન્ડિયાને વિકેટની જરુર હોય ત્યારે વિકેટ ઝડપે છે