ENG vs IND: કોવિડ -19 એ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમમાં કહેર વર્તાવ્યો છે. ભારતીય મુખ્ય કોચ રવિ શાસ્ત્રી બાદ બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચોથા સભ્ય ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલના રિપોર્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી, જેમને શાસ્ત્રી સાથેના નજીકના સંપર્કને કારણે આરટી-પીસીઆર માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.


મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો ટેસ્ટ પોઝિટિવ હોવાથી હાલમાં ચાલી રહેલી ઓવલ ટેસ્ટના ચોથા દિવસથી ચારેય સભ્યો હાલમાં ભારતના ડ્રેસિંગ રૂમનો ભાગ નથી. આ પછી, સાવચેતી તરીકે, અન્ય ત્રણ સપોર્ટ સ્ટાફના સભ્યોને પણ પોતપોતાના હોટલના રૂમમાં કોરેન્ટાઈન હેઠળ મૂકવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, શાસ્ત્રી ગળાના દુખાવા જેવા કોવિડ લક્ષણો અનુભવી રહ્યા છે.


ઈન્ડિયા ટુડે અનુસાર, શાસ્ત્રી, ભરત અરુણ અને શ્રીધર 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રમાનારી માન્ચેસ્ટર ટેસ્ટમાંથી બહાર થઈ જશે. હવે તે બધાને 10 દિવસ માટે કોરેન્ટાઈનમાંથી પસાર થવું પડશે. તે બે નેગેટિવ ટેસ્ટ બાદ જ ઘરે પરત ફરી શકશે, ભારતીય ખેલાડીઓ પાંચમી ટેસ્ટ પૂરી થયા બાદ તરત જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે યુએઈ જશે. જો કે, આઈપીએલ સિવાયના ખેલાડીઓ તેમના મુખ્ય કોચ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ વગર ઘરે પરત ફરશે.


ઓવલમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 157 રને ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે સીરીઝમાં 2-1થી લીડ મેળવી છે.