IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝ 5 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની પેટરનીટિ લીવથી વાપસી થઇ છે જ્યારે કે બોલર ઇશાંત શર્માની ઇજા ઠીક થઇ જતા તે પણ ફરીથી જોડાશે. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ વખતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. સાથે જ ગુજરાતના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલને પણ સ્થાન અપાયુ છે.


2018માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલ સીરીઝ બાદ પ્રથમ વખત હાર્દિક પંડ્યાની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે અને ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યા જોકે બોલિંગ નહીં કરે. સામે આવેલ જાણકારી અનુસાર હાર્દિક પંડ્યાને ઇંગ્લેન્ડ સીરીઝમાં બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને તે સીરીઝમાં બોલિંગ નહીં કરે.

નટરાજનને મળ્યો આરામ

ટી નટરાજન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પ્રથમ એવો ખેલાડી બન્યો જેણે એક જ પ્રવાસ પર વનડે, ટી20 અને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી. ખાસ વાત એ રહી કે તેની ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર માત્ર નેટ બોલર તરીકે પસંદગી કરવામાં આવી હતી. જોકે આગામી બે ટેસ્ટ માટે તે ટીમમાં ઉપલબ્ધ હશે કે નહીં તેના વિશે કંઈ કહી ન શકાય.

ઈશાંત શર્માની પણ ઇજા બાદ ટીમમાં વાપસી થઈ રહી છે. ઈશાંત શર્મા આઈપીએલમાં દિલ્હી કેપિટલ તરફથી રમતા સમયે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. ઇજા થવાને કારણે ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ ટેસ્ટમાંથી બહાર થનાર જસપ્રીત બુમરાહ અને અશ્વિનની ટીમમાં વાપસી થઈ છે. મોહમ્મદ શમી, વિહારી, ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજાને હજુ ઇજામાંથી બહાર આવતા સમય લાગશે માટે તેમને ટીમમાં સ્થાન નથી મળ્યું.