વારાણસીઃ બિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટના અંતિમ દિવસે ભારતે લડાયક બેટિંગ કરીને ટેસ્ટ મેચ જીતી હતી. ભારતે બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. આ પહેલા 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ 2-1થી હાર આપી હતી.

ભારત તરફથી મેચનો હિરો પંત 89 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પંતને તેના શાનદાર દેખાવ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ચેતેશ્વર પુજારાએ 211 બોલમાં 56 રન, ગિલે 146 બોલમાં 91 રન બનાવ્યા હતા. સુંદરે 22 રનનું યોગદાન આપ્યું હતું.

પ્રથમ મેચમાં 36 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત શ્રેણી જીતશે તેવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ભારતની ઐતિહાસિક જીત પર ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ખુશી વ્યક્ત કરી હતી. ભારતની જીતના મોકા પર ધવન વારાણસીમાં હતા. જીતની ખુશીથી ગદગદ થઈ ધવને ગઈકાલ રાતે બાબા કાલ ભૈરવના દરબારમાં માથું ટેકવ્યું હતું અને પૂજા વિધિ કરી હતી.



કોરોના પ્રોટોકોલના કારણે તેને ઓળખી શકવો મુશ્કેલ હતો. જ્યારે તેણે ચહેરા પરથી માસ્ક હટાવ્યું ત્યારે લોકોને ખબર પડી હતી. જે બાદ સેલ્ફી પડાવવા લોકોએ પડાપડી કરી હતી. જોકે ધવને નિરાશ કર્યા નહોતા. મંદિરના પુજારીએ કહ્યું, ભૈરવાષ્ટર સહિત અન્ય મંત્રોચ્ચાર સાથે ધવને ટીમ ઈન્ડિયાનો વિજય રથ આગળ વધતો રહે તે માટે પૂજા કરી હતી.