India vs New Zealand 2nd ODI: હેમિલ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને રદ કરવામાં આવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 12.5 ઓવરમાં 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઝડપી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ વરસાદે તેની જોરદાર ઇનિંગ્સને બરબાદ કરી દીધી હતી. શુભમન ગિલ 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવીને અણનમ રહ્યો હતો.


આ મેચ માટે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ મેચ રદ્દ થઈ ત્યાં સુધી 12.5 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 89 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા હતા. ધવન 3 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ શુભમને મહત્વની ઇનિંગ રમી હતી. તેણે 42 બોલનો સામનો કરીને અણનમ 45 રન બનાવ્યા હતા. શુભમને પણ 4 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા.


3 નંબર પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમારે ઝડપી બેટિંગ કરી હતી. પણ વરસાદે મજા બગાડી નાખી. સૂર્યાએ 25 બોલનો સામનો કરીને અણનમ 34 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે.


ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી. મિશેલ સેન્ટર ટીમ માટે ખૂબ મોંઘો સાબિત થયો. તેણે 1 ઓવરમાં 9 રન આપ્યા. માઈકલ બ્રેસવેલે 2 ઓવરમાં 18 રન આપ્યા હતા. ટિમ સાઉથીએ 3 ઓવરમાં 12 રન આપ્યા હતા. જ્યારે લોકી ફર્ગ્યુસને 2.5 ઓવરમાં 24 રન આપ્યા હતા.