IND vs NZ, 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે  સીરીઝની બીજી મેચ હેમિલ્ટનમાં રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી નહી અને રદ કરવામાં આવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 12.5 ઓવરમાં 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઝડપી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ વરસાદે તેની ઇનિંગ્સને બરબાદ કરી દીધી હતી. શુભમન ગિલ 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવીને અણનમ રહ્યો હતો.


ODI ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમની સૌથી વધુ 42 મેચો રદ કરવામાં આવી છે, જે કોઈપણ ટીમ તરફથી સૌથી વધુ છે. ટીમ ઈન્ડિયાની પ્રત્યેક 25મી ODI મેચ એક યા બીજા કારણોસર રદ થાય છે. ચાલો જાણીએ કે અત્યાર સુધી કઈ ટીમની કેટલી ODI મેચો રદ કરવામાં આવી છે.


કઈ ટીમની કેટલી ODI મેચો રદ કરવામાં આવી?


અત્યાર સુધીમાં ભારતીય ટીમની સૌથી વધુ 42 ODI મેચો રદ કરવામાં આવી છે. આ પછી ન્યુઝીલેન્ડ 41 રદ થયેલી મેચો સાથે બીજા નંબર પર યથાવત છે. શ્રીલંકાની 38 મેચ, ઓસ્ટ્રેલિયાની 34 મેચ, ઈંગ્લેન્ડની 30 મેચ, વેસ્ટ ઈન્ડિઝની 30 મેચ, દક્ષિણ આફ્રિકાની 21 મેચ, પાકિસ્તાનની 20 મેચ, ઝિમ્બાબ્વેની 12 મેચ, આયર્લેન્ડની 10 મેચ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની 3 વનડેની 7 મેચો રદ કરવામાં આવી છે.


ભારતીય ટીમની વનડેમાં કોની સામે કેટલી મેચ થઈ રદ્દ


ODI ક્રિકેટમાં શ્રીલંકા સામે ભારતીય ટીમની 11 મેચો રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની 10, ન્યુઝીલેન્ડ સામેની 6, પાકિસ્તાન સામેની 4, વેસ્ટ ઈન્ડિઝ સામેની 4, ઈંગ્લેન્ડ સામેની 3, દક્ષિણ આફ્રિકા સામેની 3 અને બાંગ્લાદેશ સામેની 1 મેચ રદ્દ કરવામાં આવી છે.


વરસાદ સિવાયના કારણો


વરસાદ સિવાય અન્ય કારણોસર પણ મેચો રદ્દ કરવામાં આવી છે. જેમાં પથ્થરબાજીથી લઈને ખરાબ પિચ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. 1998માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દર્શકોના ખરાબ વલણને કારણે રદ કરવામાં આવી હતી. સ્ટેન્ડ પર હાજર પાકિસ્તાની દર્શકોએ મેદાન પર પથ્થરમારો કર્યો, જેના કારણે મેચ રદ્દ કરવી પડી.


1997માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ ખરાબ પિચના કારણે રદ કરવામાં આવી હતી. આ મેચ માત્ર 18 બોલ બાદ રદ કરવામાં આવી હતી. આ મેચ ઈન્દોરના નેહરુ સ્ટેડિયમમાં રમાઈ હતી.


આ સિવાય 2002માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વનડે મેચ બે દિવસ બાદ પણ રદ કરવામાં આવી હતી. આ મેચમાં બંને દિવસે માત્ર એક જ દાવ રમાયો હતો. આ પછી મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ 29 અને 30 સપ્ટેમ્બરે રમાઈ હતી. 27 ડિસેમ્બર, 2009 ના રોજ, ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ ખરાબ પિચને કારણે ફરીથી રદ કરવામાં આવી હતી. 23.3 ઓવર બાદ મેચ રદ્દ કરવામાં આવી હતી.