India vs New Zealand 2nd Test, Pune: ટીમ ઈન્ડિયાએ પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ ટીમ ઈન્ડિયાએ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની મજબૂત સ્પિન બોલિંગથી ગેમ ફેરવી નાખી. બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની ટીમ 255 રન જ બનાવી શકી હતી. હવે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 359 રન બનાવવા પડશે.


પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડે ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રની મજબૂત અડધી સદીની મદદથી 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાત વિકેટ ઝડપી હતી. આ પછી ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે કિવી ટીમને 103 રનની જંગી લીડ મળી હતી. હવે બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે 255 રન બનાવી લીધા છે અને ભારતને 359 રનનો ટાર્ગેટ આપ્યો છે.


ન્યૂઝીલેન્ડ તરફથી બીજી ઇનિંગમાં કેપ્ટન ટોમ લાથમે સૌથી વધુ 86 રન બનાવ્યા હતા. ડેવોન કોનવે 17 રન, વિલ યંગ 23, રચિન રવિન્દ્ર 09 અને ડેરીલ મિશેલ 18 રન બનાવીને આઉટ થયા હતા. ટોમ બ્લંડેલ 41 અને ગ્લેન ફિલિપ્સ અણનમ 48 વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 48 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી હતી. ભારતીય બોલરોએ ત્રીજા દિવસે માત્ર એક કલાકમાં પાંચ વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને ઘૂટણીયે લાવી દીધુ હતું. જોકે, ગ્લેન ફિલિપ્સ 48 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ભારત તરફથી બીજા દાવમાં રવિન્દ્ર જાડેજાએ ત્રણ, વોશિંગ્ટન સુંદરે ચાર અને રવિચંદ્રન અશ્વિને બે વિકેટ ઝડપી હતી.


આ પહેલા બીજા દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે કિવી બેટ્સમેનોએ પ્રથમ 15 મિનિટમાં સરળતાથી રન બનાવ્યા હતા. એવું લાગતું હતું કે કિવી ટીમ ભારતને પહાડ જેવો ટાર્ગેટ આપશે, પરંતુ ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ ટોમ બ્લંડેલને બોલ્ડ કર્યો હતો. તે ત્રણ ચોગ્ગાની મદદથી 41 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી મિશેલ સેન્ટનર 04 રને, ટિમ સાઉથી 00 રને, એજાઝ પટેલ 01 રને અને વિલિયમ ઓ'રૂક 00 રને પેવેલિયન પરત ફર્યા હતા. ફિલિપ્સ ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.


આ પણ વાંચો...


Team India Squad: BCCI એ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી, કેએલ રાહુલને પણ તક મળી