હેમિલ્ટનઃભારતે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની પાંચ ટી-20 સીરિઝની ત્રીજી ટી-20માં સુપર ઓવરથી મેચ જીતી લીધી છે. આ જીત સાથે ન્યૂઝિલેન્ડમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટી-20 સીરિઝ જીતી હતી. ટીમ ઇન્ડિયાએ પાંચ ટી-20 મેચની સીરિઝમાં 3-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી.


સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 17 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડ઼ીએ 20 રન બનાવી ટીમને જીત અપાવી હતી. રોહિતે અંતિમ બે બોલમાં બે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.

અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 180 રનનો ટાર્ગેટ પાર કરી શકી નહોતી અને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 179 રન જ બનાવી શકી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને 95 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝિલેન્ડને અંતિમ ઓવરમાં જીત માટે નવ રન જોઇતા હતા પરંતુ મોહમ્મદ શમ્મીએ ફક્ત આઠ રન આપ્યા હતા. અંતિમ બોલ પર રોસ ટેલરને આઉટ કરી શમ્મીએ ટાઇ મેચ કરી હતી. આ અગાઉ  માર્ટિન ગુપ્ટિલ 31, મુનરો 14, મિશેલ સેન્ટનર 9 રન બનાવી આઉટ થયા હતા.

શાર્દૂલ ઠાકુરે ભારતીય ટીમને પહેલી સફળતા અપાવી, માર્ટિન ગપ્ટિલને 31 રનના અંગત સ્કૉરે બાઉન્ડ્રી લાઇન પર સેમસનના હાથમાં ઝીલાવી દીધો હતો.

ગપ્ટિલ બાદ જાડેજાએ મુનરોને સ્ટમ્પિંગ કરાવીને આઉટ કરાવ્યો હતો, મુનરો 14 રનના અંગત સ્કૉરે જાડેજાની બૉલિંગમાં કેએલ રાહુલના હાથે સ્ટમ્પિંગ આઉટ કરાવ્યો હતો.

10.4 ઓવરમાં ચહલે કિવી બેટ્સમેન મિસેલ સેન્ટનરને ક્લિન બૉલ્ડ કર્યો હતો, સેન્ટનર 9 રને પેવેલિયન ભેગો થયો હતો.

કૉલિન ડી ગ્રાન્ડહૉમના રૂપે ન્યૂઝીલેન્ડને ચોથો ઝટકો લાગ્યો હતો, શાર્દૂલ ઠાકુરની બૉલિંગમાં 5 રન બનાવીને ડી ગ્રાન્ડહૉમે શિવમને કેચ આપી દીધો હતો.

ભારત તરફથી સૌથી વધુ રન રોહિત શર્માએ 65 રન બનાવ્યા હતા, અને કેપ્ટન વિરાટ કોહલીએ 38 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી હેમિશ બેન્નેટે સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી.રોહિત શર્માએ 23 બૉલમાંજ પોતાની ટી20 કેરિયરની 20 ફિફ્ટી પુરી કરી હતી, રોહિતે આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.