IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમનો ટી20 વર્લ્ડકપમાં કંગાળ દેખાવ રહ્યો છે અને સેમિ ફાઇનલમાંથી બહાર થવાની પૂરી શક્યતા છે. પ્રથમ મુકાબલામાં પાકિસ્તાન સામે 10 વિકેટથી ભૂંડી હાર અને બીજા મુકાબલામાં 8 વિકેટથી કારમા પરાજય બાદ ક્રિકેટ ચાહકો રોષે ભરાયા છે. ટી-20 વર્લ્ડકપ પૂરો થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવશે. વર્લ્ડકપમાં પહેલાના આશરે ચાર મહિનાથી ભારતીય ખેલાડીઓ બાયો બબલમાં રહે છે. જેની અસર વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન પર પડી હોવાનું કેટલાક સિનિયર ખેલાડીઓ કહી રહ્યા છે, આ કારણે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. કોહલી પહેલાથી જ ટી20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી ચુક્યો છે. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈને સૂત્રોએ જણાવ્યું કે, કેએલ રાહુલ કેપ્ટનશિપ કરી શકે છે. સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. રાહુલ ટીમનો એક મહત્વપૂર્ણ ખેલાડી છે અને તે ટી20 સ્ટ્રક્ચરમાં સારી કેપ્ટનશિપ કરી જાણે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં ક્રિકેટ ફેંસની પણ કોવિડ-19 પ્રોટોકોલ સાથે મેદાન પર વાપસી થશે.
બાયો બબલના વાતાવરણથી ભારતીય ખેલાડીઓ થાકી ગયાઃ બુમરાહ
બુમરાહે કહ્યું કે, હવે એવું લાગે છે કે થોડો બ્રેક લેવો જોઈએ. ભારતના ખેલાડીઓ કોરોનાને લીધે છ મહિનાથી બબલમાં રહીને થાકી ગયા છે. છ મહિનાથી પ્રવાસની જેમ જ બબલ સાથે હોટલ અને સ્ટેડિયમનું જીવન વીતાવીએ છીએ. મેદાન પર તો અમે બધુ ભૂલી જઈને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરતા હોઈએ પણ આ થાક દેખાય નહીં તેવો માનસિક હોય છે. તમે પરિવાર વગર લાંબો સમય નિયંત્રિત હિલચાલ સાતે જીવન વીતાવો એટલે મેદાન પરના દેખાવ પર તેની અસર પડે તે સ્વાભાવિક છે.
ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ
- પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
- બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
- ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા
- પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
- બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ