નવી દિલ્હીઃ આગામી 21 ફેબ્રુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝ શરૂ થઇ રહી છે. પણ આ પહેલા કિવી બૉલર ઇશ સોઢીએ ભારતીય બેટ્સમેન ઋષભ પંતની ખુબ પ્રસંશા કરી છે. પ્રેક્ટિસ મેચમાં પંતની આક્રમક બેટિંગ જોઇને ઇશ સોઢીએ તેને દુનિયાનો ખતરનાક બેટ્સમેન ગણાવી દીધો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝ પહેલા રમાયેલી વૉર્મઅપ મેચમાં પંતે જબરદસ્ત બેટિંગ કરી. આ મેચમાં પંતે આક્રમક 70 રનની ઇનિંગ રમી હતી, જેમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. આ જોઇને ઇશ સોઢી ચોંકી ગયો હતો.



પંતે મેચમાં કિવી સ્પિનર ઇશ સોઢીને સતત બે બૉલમાં બે છગ્ગા ફટકારીને ચોંકાવી દીધો હતો. મેચ બાદ ઇશ સોઢીએ પંતને ઉલ્લેખીને કહ્યું કે પંત ખરેખર દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેનોમાંનો એક છે.


સોઢીએ કહ્યું કે, ઋષભ પંત સ્પિનરોની સાથે ખુબ સારી રીતે બેટિંગ કરે છે. તેની આક્રમકતા બધાથી અલગ છે, કેમકે તે સ્પિનરો સામે મુશ્કેલ મુશ્કેલ બૉલને પણ આસાનીથી ફટકારી દે છે. મેં આજ સુધી આવો બેટ્સમેન નથી જોયો.


નોંધનીય છે કે, આગામી 21 ફેબ્રુઆરીએ શરૂ થનારી ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટમાં ઇશ સોઢીને 13 સભ્યોવાળી ટીમમાં જગ્યા નથી મળી. જ્યારે પંતની પણ હજુ ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં સંભાવના ઓછી છે.