WTC Points Table: ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ભારતમાં 3-0થી હરાવીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં કોઈ મેચ જીતી શકી નથી અને આ પહેલીવાર છે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતમાં સતત ત્રણ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતિમ પોઈન્ટ ટેબલમાં મોટો ફટકો પડ્યો છે. હવે નંબર વનનો તાજ પણ ટીમ ઈન્ડિયા પાસેથી છીનવાઈ ગયો છે. ટીમ ઈન્ડિયા પર હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ જવાનો ખતરો છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય બેટ્સમેનોએ ખુબ નિરાશ કર્યા હતા. ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શનથી ફેન્સ ખુબ નારાજ થયા છે.
ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે
મુંબઈ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર હતી, પરંતુ આ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા હવે બીજા સ્થાને સરકી ગઈ છે. જે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે. ટીમ ઈન્ડિયાના પોઈન્ટ ટેબલમાં હવે 58.33 ટકા માર્ક્સ છે. આ સાથે જ ભારતીય ટીમની હારથી ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ઘણો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હવે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ નંબર-4 પર આવી છે.
ટીમ ઈન્ડિયા પર ખતરો તોળાઈ રહ્યો છે
ઘરઆંગણે આટલી ખરાબ રીતે હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવા જઈ રહી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી શરૂ થશે. જેમાં બંને ટીમ વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. હવે જો ટીમ ઈન્ડિયા પોતાના દમ પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમાંથી ચાર ટેસ્ટ મેચ જીતવી પડશે. જે એટલું આસાન નહીં હોય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ થોડી વધવા લાગી છે.
આ પણ વાંચો...