નવી દિલ્હીઃ એશિયા કપ 2022ના સુપર-4માં પાકિસ્તાને ભારતને રોમાંચક મેચમાં 5 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન સામે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમે ઓપનર મોહમ્મદ રિઝવાન (71) અને ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ (42)ની શાનદાર ઇનિંગની મદદથી ભારતીય ટીમને હાર આપી હતી. જો કે, એક તબક્કે ભારતીય બોલરોએ રિઝવાન અને નવાઝને આઉટ કરીને મેચમાં જોરદાર વાપસી કરી હતી, પરંતુ અર્શદીપ સિંહે એક કેચ છોડતા ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. અર્શદીપે કેચ છોડતા ભારતીય કેપ્ટન રોહિત શર્મા ગુસ્સાથી બૂમો પાડતો જોવા મળ્યો હતો. રોહિતની આ પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.






17મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ મોહમ્મદ રિઝવાનને આઉટ કરીને ભારતીય ટીમની જીતની આશા જગાવી હતી. પાકિસ્તાનને હવે જીતવા માટે 19 બોલમાં 36 રનની જરૂર હતી. લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ ભારત તરફથી 18મી ઓવર નાખવા આવ્યો હતો. બિશ્નોઈની આ ઓવરના ત્રીજા બોલ પર આસિફ હવામાં શોટ રમ્યો હતો પરંતુ અર્શદીપે શોર્ટ થર્ડ મેન પર આસાન કેચ છોડ્યો હતો. આ જોઈને રોહિત શર્મા ખૂબ ગુસ્સે થઈ ગયો. કેચ છૂટી જતાં તેણે ફરી માથું પકડી લીધું.


વિરાટ કોહલીએ સતત ત્રીજી મેચમાં 30 પ્લસની ઇનિંગ્સ રમી હતી


ટોસ હાર્યા બાદ ભારતને રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડીએ ઝડપી શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં ભારતે એક વિકેટે 62 રન બનાવ્યા હતા. એશિયા કપ 2022માં કોહલીનું ફોર્મ જોવા મળ્યું છે. તેણે એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 35 રન, હોંગકોંગ સામે અણનમ 59 અને સુપર ફોરમાં પાકિસ્તાન સામે 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર છે.


મોહમ્મદ રિઝવાને સતત બીજી અડધી સદી ફટકારી


બાબર આઝમ સતત ત્રીજી મેચમાં નિષ્ફળ રહ્યો હતો. ભારત સામે તેણે 10 બોલમાં બે ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા.  હોંગકોંગ સામે અણનમ 78 રનની ઇનિંગ રમનાર રિઝવાને ભારત સામે 71 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. એશિયા કપની ફાઇનલમાં 11 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન ત્રીજી વખત આમને સામને થઈ શકે છે. આ માટે ભારતે શ્રીલંકા અને અફઘાનિસ્તાનને હરાવવું પડશે.