Women’s Asia Cup T20 2024: ક્રિકેટ જગતની બે સૌથી મોટી ટીમો ટી-20 એશિયા કપ 2024માં 19 જુલાઈના રોજ આમને સામને થશે. ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની આ મેચ શ્રીલંકાના દામ્બુલામાં રમાશે. જે ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.






જો છેલ્લા એક વર્ષમાં બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાએ 17 ટી-20 મેચ રમી છે અને તેમનો જીત-હારનો રેકોર્ડ 10-5નો છે. તેઓએ ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવીને હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


ત્યારબાદ ભારતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સતત બે શ્રેણી ગુમાવી હતી. સિલ્હટમાં બાંગ્લાદેશને 5-0થી હરાવ્યું અને તાજેતરમાં ચેન્નઈમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણી 1-1થી ડ્રો સાથે સમાપ્ત થઈ હતી. આમાં બીજી મેચ વરસાદને કારણે રદ્દ કરાઇ હતી.






જ્યારે ભારતની તુલનામાં પાકિસ્તાને આ સમયગાળા દરમિયાન વધુ ટી-20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને 19માંથી સાત મેચ જીતી છે અને 12માં હારનો સામનો કરવો પડ્યો છે. એશિયન ગેમ્સ પહેલા તેઓએ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 3-0થી જીત મેળવી હતી.


એશિયન ગેમ્સમાં પાકિસ્તાની ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી, પરંતુ શ્રીલંકા સામે હારી ગઈ હતી અને પછી બ્રોન્ઝ મેડલ પ્લેઓફમાં બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી. ત્યારથી તેઓ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે T20I શ્રેણી ગુમાવી ચૂક્યા છે અને તાજેતરમાં ઈંગ્લેન્ડમાં 3-0થી હારી ગયા છે. પાકિસ્તાને એકમાત્ર સીરીઝમાં ગત વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી.


ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના રેકોર્ડ


છેલ્લા કેટલાક વર્ષોમાં બંને ટીમો વચ્ચે 14 મેચ રમાઈ છે. ભારતે 11 મેચ જીતી છે. આ સાથે જ એશિયા કપમાં ભારતનો દબદબો છે. ભારતે પાકિસ્તાન સામે રમાયેલી છમાંથી પાંચ મેચ જીતી છે. જોકે, પાકિસ્તાને 2022માં સિલ્હટમાં રમાયેલ છેલ્લી એશિયા કપમાં એકમાત્ર મેચ જીતી હતી.


આ ખેલાડીઓ પર નજર રાખશે


સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ભારત માટે શાનદાર ઓપનિંગ જોડી છે. મંધાનાએ 28.13ની એવરેજ અને 121.83ની સ્ટ્રાઈક રેટથી 3320 T20 રન બનાવ્યા છે. શેફાલીએ 24.27ની એવરેજ અને 129.48ના સ્ટ્રાઈક રેટથી 1748 રન બનાવ્યા છે. પાકિસ્તાન માટે સ્ટાર કેપ્ટન નિદા દાર છે, જે બોલિંગ ઓલરાઉન્ડર છે. સિદરા અમીન શાનદાર ફોર્મમાં છે, તેણે આ વર્ષે આઠ ઇનિંગ્સમાં 205 રન બનાવ્યા છે.


ભારત અને શ્રીલંકામાં મહિલા એશિયા કપ 2024નું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારણ કરવામાં આવશે. ભારતમાં આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ હશે.