India vs Pakistan Record: એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થશે. તેની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવશે. તેની કેટલીક મેચો પાકિસ્તાનમાં અને બાકીની શ્રીલંકામાં યોજાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધી પાકિસ્તાન પર જીત મેળવી છે. આ બંન્ને ટીમો 2 સપ્ટેમ્બરે સામ સામે ટકરાશે.
આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે અને તેમાં કુલ 13 મેચ રમાશે. જો આપણે ટૂર્નામેન્ટના વન-ડે ફોર્મેટની મેચો પર નજર કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 13 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે. જ્યારે તેમને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
જો આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ઓવર ઓલ વન-ડે મેચની વાત કરીએ તો તેમાં પાકિસ્તાનનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 132 વનડે રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 55 મેચ જીતી છે, જ્યારે 73 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વન-ડે મેચ જૂન 2019માં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાનો 89 રને વિજય થયો હતો. વર્લ્ડ કપ 2019ની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 5 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાની ટીમ 6 વિકેટ ગુમાવીને 212 રન જ બનાવી શકી હતી. તેને ડકવર્થ-લુઈસ નિયમથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતે છેલ્લી ત્રણ વનડેમાં સતત પાકિસ્તાનને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ સપ્ટેમ્બર 2018માં રમાયેલી મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. આ પછી આ જ મહિનામાં પાકિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. આ બંન્ને મેચ દુબઈમાં રમાઈ હતી.
આગામી વનડે વર્લ્ડકપ 2023ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. વનડે વર્લ્ડકપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, અને આનું આયોજન આ વખતે ભારત કરશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હવે આનું નવું શિડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15મીને બદલે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સહિત 9 મેચોના શિડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.