નવી દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા આજની મેચ જીતીને સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે જ્યારે સાઉથ આફ્રિકા મેચ જીતીને સીરિઝ જીવંત રાખવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે સીરિઝની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ આઠ વિકેટે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ કઈ મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે બીજી T20 મેચ જીતવા માટે મેદાનમાં ઉતરી શકે છે તેના વિશે જાણકારી મેળવીએ.
રોહિત-રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે
ભારતીય ટીમ માટે બીજી ટી20 મેચમાં ફરી એકવાર રોહિત શર્મા અને કેએલ રાહુલ ઇનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે. રાહુલે છેલ્લી મેચમાં ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, પ્રથમ ટી20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હતો.
મિડલ ઓર્ડરની જવાબદારી યુવા ખેલાડી રિષભ પંતની સાથે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના ખભા પર રહેશે. જોકે, કોહલી છેલ્લી મેચમાં માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ સૂર્યકુમારે શાનદાર બેટિંગ કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. પંતને પ્રથમ ટી20 મેચમાં રમવાની તક મળી ન હતી.
આ સિવાય મેચ ફિનિશરની ભૂમિકામાં અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિક રહેશે. કાર્તિક છેલ્લી IPL સિઝનથી સારી લયમાં ચાલી રહ્યો છે. સાથે જ ઓલરાઉન્ડર ખેલાડી તરીકે અક્ષર પટેલને ટીમમાં તક મળી શકે છે. અક્ષર બેટિંગ અને બોલિંગ બંને રીતે ટીમ માટે હિટ સાબિત થઈ રહ્યો છે.
બીજી ટી-20 મેચમાં દીપક ચહર અને અર્શદીપ સિંહને તક મળી શકે છે. આ સાથે જ ત્રીજા ફાસ્ટ બોલર તરીકે હર્ષલ પટેલને તક મળી શકે છે. આ સિવાય યુઝવેન્દ્ર ચહલને સ્પિનર તરીકે તક મળી શકે છે. ચહલને પ્રથમ ટી20 મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. અક્ષર પટેલ પાંચમા બોલરની ભૂમિકા ભજવશે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક ચહર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.