India Vs South Africa 3rd T20I Highlights: ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ધમાલ મચાવી છે. ટીમે દક્ષિણ આફ્રિકા સામે 4 મેચની ટી-20 શ્રેણીની ત્રીજી મેચમાં 11 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ બુધવારે (13 નવેમ્બર) સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તિલક વર્માએ તોફાની રીતે સદી ફટકારી હતી. જવાબમાં આફ્રિકાની ટીમ 7 વિકેટ ગુમાવીને 208 રન જ કરી શકી અને મેચ હારી ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. હવે છેલ્લી મેચ શુક્રવારે (15 નવેમ્બર) જોહનિસબર્ગમાં રમાશે.


જેન્સને 16 બોલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી


આફ્રિકા તરફથી માર્કો જેન્સને 17 બોલમાં સૌથી મોટી 54 રનની ઇનિંગ રમી હતી. જેન્સને 16 બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો આફ્રિકન ક્રિકેટર બની ગયો છે. આફ્રિકા તરફથી સૌથી ઝડપી ફિફ્ટી ક્વિન્ટન ડી કોકે 15 બોલમાં ફટકારી હતી. આ ફિફ્ટી માર્ચ 2023માં સેન્ચુરિયનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી. વર્તમાન મેચમાં હેનરિક ક્લાસને 22 બોલમાં 41 રન બનાવ્યા હતા.


ભારતીય ટીમ તરફથી તમામ બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહે 3 અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 1-1 સફળતા મેળવી હતી.


તિલકે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો


આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે મેચના બીજા બોલ પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. સંજુ સેમસન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. આ પછી અભિષેક શર્મા અને તિલક વર્માએ ટીમની કમાન સંભાળી અને 52 બોલમાં 107 રનની મજબૂત ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.


અભિષેકે 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે બીજા જ બોલ પર 50 રન કરીને કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. આ પછી તિલક વર્માએ 32 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ત્યાર પછી તિલકે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે આ સદી 51 બોલમાં ફટકારી હતી. તિલક ટી 20માં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.


22 વર્ષના તિલકે 56 બોલમાં 107 રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે 7 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા રમનદીપ સિંહ 6 બોલમાં 15 રન કરીને રનઆઉટ થયો હતો. જેના કારણે ભારતીય ટીમે 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને એન્ડીલે સિમેલાને 2-2 વિકેટ ઝડપી હતી.