IND vs SL Test: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઈતિહાસ રચી દીધો છે. તેણે બેંગ્લોરમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ ફિફ્ટી (50) ફટકારી છે. પંતે આ રેકોર્ડની સાથે ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવને પાછળ છોડી દીધા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. ઋષભે આ મેચની બીજી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.


ડે-નાઈટ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઋષભ ભારત માટે 5માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 31 બોલ રમ્યા હતા જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી તેણે 50 રન બનાવ્યા અને આઉટ થયો હતો. પરંતુ આઉટ થતાં પહેલા પંતે સૌથી ઝડપી ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. પંતે 28 બોલમાં આ અડધી સદી ફટકારી હતી.


ઋષભ પંતની આ અડધી સદી પૂર્ણ થતાંની સાથે પંતે કપિલ દેવને પાછળ છોડી દીધા છે. ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ કપિલ દેવના નામે હતો. કપિલ દેવે 30 બોલમાં પાકિસ્તાન સામે કરાચીમાં અડધી સદી ફટકારી હતી. આ મેચ વર્ષ 1982માં રમાઈ હતી. શાર્દુલ ઠાકુર હવે આ યાદીમાં કપિલ દેવ પછી ત્રીજા સ્થાને છે. શાર્દુલે ઈંગ્લેન્ડ સામે 2021માં ઓવલ ટેસ્ટમાં 31 બોલનો સામનો કરીને અડધી સદી ફટકારી હતી. આ યાદીમાં ચોથા સ્થાનમાં વીરેન્દ્ર સેહવાગ છે જેણે ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 32 બોલમાં અડધી સદી ફટકારી હતી.


28 બોલ ઋષભ પંત વિ. શ્રીલંકા, બેંગલુરુ 2022
30 બોલ, કપિલ દેવ વિ પાક, કરાચી 1982
31 બોલ શાર્દુલ ઠાકુર વિરુદ્ધ ઈંગ્લેન્ડ ઓવલ 2021
32 બોલ, વીરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ચેન્નાઈ 2008