India vs Sri Lanka 2024: ભારતીય ટીમ 2024માં શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં તેને 6 સફેદ બૉલની ક્રિકેટ મેચ રમવાની છે, જેમાં 3 ODI અને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે. આ વ્હાઇટ બૉલ સીરીઝ ODI વર્લ્ડકપ બાદ પહેલીવાર 2024ના જુલાઈમાં રમાશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા સીરીઝની જાહેરાત કરવામાં આવી હતી.


શ્રીલંકા દ્વારા 2024ના ફ્યૂચર ટૂર પ્રૉગ્રામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતીય ટીમ સામેની સીરીઝનો પણ સમાવેશ થાય છે. શ્રીલંકાના ફ્યૂચર ટૂર પ્રૉગ્રામમાં સામેલ થનારી ઝિમ્બાબ્વે ટીમ પ્રથમ છે. ઝિમ્બાબ્વેની ટીમ જાન્યુઆરી 2024માં શ્રીલંકાનો પ્રવાસ કરશે. ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકાના પ્રવાસે જશે. ત્યાર બાદ બાંગ્લાદેશની ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં શ્રીલંકા આવશે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ત્રણેય ફોર્મેટની સીરીઝ રમશે.


આ પછી જૂન અને જુલાઈમાં 2024નો T20 વર્લ્ડકપ રમાશે. ત્યારબાદ જુલાઈમાં જ શ્રીલંકાની ટીમ ભારત સામે 3 વનડે અને 3 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આગળ જતાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો શ્રીલંકાનો પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડ ત્રણ વખત શ્રીલંકાનો પ્રવાસ કરશે.


2023માં શ્રીલંકાએ કર્યો હતો ભારતનો પ્રવાસ 
શ્રીલંકાએ 2023 માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે બંને વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ ODI મેચ રમાઈ હતી. ભારતીય ટીમે બંને સીરીઝ જીતી હતી. ભારતે T20 સીરીઝમાં શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું. ભારતે T20 સીરીઝની પ્રથમ મેચ 2 રને જીતી હતી, ત્યારબાદ શ્રીલંકાએ બીજી મેચ 16 રને જીતી હતી. ત્યાર બાદ ત્રીજી મેચમાં ભારતે 91 રને જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરી હતી.


આ પછી, વનડે સીરીઝમાં ભારતે પ્રથમ મેચ 67 રને, બીજી 4 વિકેટે અને ત્રીજી મેચ 317 રને હરાવીને સીરીઝ જીતી લીધી હતી.


રાહુલ દ્રવિડ જ રહેશે ટીમ ઇન્ડિયાના હેડ કોચ


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ફરી એકવાર રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. વન વર્લ્ડ કપ 2023 પછી તેમનો કરાર સમાપ્ત થઈ ગયો હતો. હવે BCCIએ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો છે. સિનિયર મેન્સ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડની સાથે સ્પોર્ટ્સ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પણ લંબાવવામાં આવ્યો છે. મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ કેટલા દિવસ માટે વધારવામાં આવ્યો છે તેની માહિતી BCCIએ આપી નથી. બીસીસીઆઈની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે "બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ સાથે તાજેતરમાં સમાપ્ત થયેલા વન-ડે વર્લ્ડ કપ 2023 બાદ કરાર અંગે ચર્ચા કરી હતી. તમામની સહમતિથી કરારને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો."


વધુમાં બોર્ડે કહ્યું કે બોર્ડ ભારતીય ટીમને તૈયાર કરવામાં રાહુલ દ્રવિડની ભૂમિકાને ઓળખે છે  અને તેમની અસાધારણ પ્રોફેશનલિઝમની પ્રશંસા કરે છે. બોર્ડ એનસીએના મુખ્ય કોચ અને ટીમ ઇન્ડિયાના સ્ટેન્ડ-ઇન હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની ભૂમિકાની પણ પ્રશંસા કરે છે. તેમની મહાન ઓનફિલ્ડ ભાગીદારીની જેમ જ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે ભારતીય ક્રિકેટને આગળ વધાર્યું છે.


ફરી કોચ બનવા પર રાહુલ દ્રવિડે શું કહ્યું?


ભારતીય મુખ્ય કોચે કહ્યું હતું કે  “ભારતીય ટીમ સાથે છેલ્લા બે વર્ષ યાદગાર રહ્યા છે. અમે સાથે મળીને ઉતાર-ચઢાવ જોયા છે અને આ સમગ્ર પ્રવાસ દરમિયાન ટીમમાં સહકાર અને મિત્રતા અદભૂત રહી છે. અમે ડ્રેસિંગ રૂમમાં જે કલ્ચર સેટ કર્યું છે તેના પર ગર્વ છે. ટીમ પાસે જે કૌશલ્ય અને જુસ્સો છે તે અદભૂત છે અને અમે જેના પર ભાર મૂક્યો છે તે એ છે કે તમે યોગ્ય પ્રોસેસને ફોલો કરો અને તમારી તૈયારીને વળગી રહો, જેની સીધી અસર સમગ્ર પરિણામ પર પડે છે.” "હું બીસીસીઆઈનો મારા પર વિશ્વાસ મુકવા બદલ મારા વિઝનને સમર્થન આપવા બદલ આભાર માનું છું."