IND vs ZIM: ભારતે ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ઝિમ્બાબ્વેના બોલરો ટીમ ઈન્ડિયાની ઓપનિંગ ભાગીદારીને તોડી શક્યા ન હતા. એક તરફ યશસ્વી જયસ્વાલે 53 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી તો બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે પણ 39 બોલમાં 58 રનનું મહત્વનું યોગદાન આપ્યું. પહેલા રમતા ઝિમ્બાબ્વેએ સ્કોરબોર્ડ પર 152 રન બનાવ્યા હતા અને ભારતે 28 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યજમાન ટીમ તરફથી સિકંદર રઝાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે ટીમ માટે મોટી ઇનિંગ રમનાર ડીયોન માયર્સ આ વખતે માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. જવાબમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે લક્ષ્યનો પીછો કર્યો અને પ્રથમ 10 ઓવરમાં ટીમનો સ્કોર 106 રન સુધી પહોંચાડ્યો. અહીંથી ટીમને છેલ્લા 60 બોલમાં માત્ર 47 રન બનાવવાના હતા. અહીંથી ટીમ ઈન્ડિયા માટે જીત ખૂબ જ સરળ બની ગઈ.
જયસ્વાલ અને ગિલની શાનદાર બેટિંગ
યશસ્વી જયસ્વાલે પ્રથમ ઓવરથી જ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જયસ્વાલે માત્ર 29 બોલમાં પોતાની અર્ધી સદી પૂરી કરી હતી, પરંતુ ઓછા રનનો પીછો કરવાને કારણે તે પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. બીજી તરફ ગિલે 25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જયસ્વાલે 13 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 53 બોલમાં 93 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ગિલે 39 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી અને 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
ભારતની પ્લેઈંગ ઈલેવન
ભારતે આજે પ્લેઇંગ ઇલેવનમાં એક બદલાવ કર્યો હતો. આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા તુષાર પાંડેએ ડેબ્યૂ કર્યુ હતું.
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકિપર), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ, તુષાર દેશપાંડે.
ઝિમ્બાબ્વેની પ્લેઈંગ ઈલેવન
ઝિમ્બાબ્વેની પ્લેઈંગ ઈલેવન: વેસ્લી માધવેરે, તદિવનાશે મારુમાની, બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), જોનાથન કેમ્પબેલ, ફરાઝ અકરમ, ક્લાઈવ મડાન્ડે (વિકેટકિપર), રિચાર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા.