IND vs ENG 5th T20: ભારતે ઈંગ્લેન્ડને ટી-20 સિરીઝમાં ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ રવિવારે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચમાં 150 રનથી જીત મેળવી હતી. ભારતે શ્રેણી 4-1થી કબજે કરી લીધી છે. મુંબઈમાં ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું. વિસ્ફોટક સદી ફટકારવાની સાથે તેણે 2 વિકેટ પણ લીધી હતી. આ મેચમાં અભિષેકે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. શિવમ દુબે પણ ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી ફિલિપ સોલ્ટે અડધી સદી ફટકારી હતી.


પ્રથમ બેટિંગ કરતા ભારતે 247 રન બનાવ્યા હતા. આ દરમિયાન અભિષેકે 135 રનની ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ 30 રનનું યોગદાન આપ્યું હતું. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 97 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન બાદ બોલરોએ પણ વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.


ટીમ ઈન્ડિયા માટે અભિષેકની રેકોર્ડ બ્રેકિંગ ઇનિંગ્સ -


અભિષેક શર્માએ ઈંગ્લેન્ડના બોલરો માટે મુશ્કેલી ઊભી કરી હતી. તેણે માત્ર 54 બોલનો સામનો કરીને 135 રન બનાવ્યા હતા. અભિષેકની આ ઇનિંગમાં 7 ફોર અને 13 સિક્સ સામેલ હતી. શિવમ દુબેએ 13 બોલમાં 30 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ રીતે ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા હતા. ઓપનર સંજુ સેમસન 16 રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્મા 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવ માત્ર 2 રન બનાવી શક્યો હતો.






માત્ર 97 રનના સ્કોર પર ઈંગ્લેન્ડની આખી ટીમ આઉટ


ભારતીય બેટ્સમેનો બાદ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ 10.3 ઓવરમાં માત્ર 97 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ફિલિપ સોલ્ટે અડધી સદી ફટકારી હતી. તેણે 23 બોલનો સામનો કરીને 55 રન બનાવ્યા હતા. સોલ્ટે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જેકબ બેથેલ 10 રન બનાવીને આઉટ થયો હતો. આ બે ખેલાડીઓ સિવાય કોઈ ડબલ ફિગરને સ્પર્શી શક્યું નથી. 


ટીમ ઈન્ડિયાના બોલરોએ પણ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી અભિષેક શર્મા અને શિવમ દુબેને 2-2 વિકેટ મળી હતી. અભિષેક શર્માએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર એક જ ઓવર ફેંકી 3 રન આપી 2 વિકેટ ઝડપી હતી.   


કોહલી-રોહિત-ગિલ-સૂર્યા... અભિષેક શર્માએ તમામને પાછળ છોડ્યા, વાનખેડેમાં બન્યા આ 5 મોટા રેકોર્ડ