champion trophy 2025: ભારતે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી. ભારતની જીત પર વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓના વખાણ કર્યા હતા. તેણે એ પણ જણાવ્યું કે ભારતીય ટીમને આ જીતની કેટલી જરૂર હતી. વિરાટે કહ્યું, "અમે ઓસ્ટ્રેલિયાના કઠિન પ્રવાસ બાદ બાઉન્સ બેક કરવા અને મોટી ટુર્નામેન્ટ જીતવા માંગતા હતા, તેથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી શાનદાર છે."


વિરાટ કોહલીએ કહ્યું, "ડ્રેસિંગ રૂમમાં ઘણી પ્રતિભાઓ છે, તેઓ તેમની રમતને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે તેમને મદદ કરવા માટે ખુશ છીએ. અમે અમારા યુવા ખેલાડીઓ સાથે અમારો અનુભવ શેર કરીએ છીએ અને તે જ આ ભારતીય ટીમને ખૂબ મજબૂત બનાવે છે. આ તે વસ્તુઓ છે જે તમે (ખિતાબ માટે) રમવા માંગો છો, દબાવમાં રમવું અને પોતાના હાથ ઉપર રાખવા માંગે છે. દરેક વ્યક્તિએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, અમે એક શાનદાર ટીમનો ભાગ છીએ. મને લાગે છે કે અમારી પાસે એક એવી ટીમ છે જે આગામી 8 વર્ષ સુધી દુનિયા સામે મુકાબલો કરવા માટે તૈયાર છે."


ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટીમની બેટિંગ અને બોલિંગની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, "શુભમન ગીલે શાનદાર પ્રદર્શન કર્યું છે. શ્રેયસ અય્યરે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે. કેએલ રાહુલે મેચ ફિનિશકરી છે અને હાર્દિક પંડ્યાએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે." વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ ટીમની ફિલ્ડિંગની ખૂબ પ્રશંસા કરી. 


ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ જીત્યું


ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીતી લીધું છે. ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતને 252 રનનો ટાર્ગેટ હતો, જે ટીમ ઈન્ડિયાએ 6 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. 


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પ્રાઈઝ મની 


ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા બનવા માટે ભારતને 2.24 મિલિયન યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણમાં 19.45 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. ન્યૂઝીલેન્ડને ટુર્નામેન્ટમાં રનર અપ રહેવા માટે 9.72 કરોડ રૂપિયા મળ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં માત્ર વિજેતા અને ઉપવિજેતા ટીમો જ નહીં પરંતુ અન્ય ટીમોની પણ બલ્લે બલ્લે થઈ છે. સેમિફાઇનલમાં હારેલી ટીમો, એટલે કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા, પ્રત્યેકને 4.86 કરોડ રૂપિયા ઈનામી તરીકે મળ્યા હતા.