Asian Games 2023, IND Vs JAP: ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ગત વખતના એશિયા ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવ્યું છે. આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત 4-2 થી જીત્યું હતું. ફાઈનલ મેચમાં ભારત તરફથી ખૂબ જ સારી રમત જોવા મળી હતી. ભારતની સામે વિપક્ષી જાપાન માત્ર એક જ ગોલ કરવામાં સફળ રહ્યું હતું.


 






આ ગોલ્ડ સાથે ભારતીય હોકી ટીમ 2024માં પેરિસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. મેચની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં મેચની 25મી મિનિટે ભારત તરફથી મેચનો પ્રથમ ગોલ થયો હતો. મનદીપ સિંહે આ ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. આ રીતે ભારતીય ટીમે મેચના હાફ ટાઈમમાં સરસાઈ મેળવી લીધી હતી.


ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં મેચની 32મી મિનિટે ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે બીજો ગોલ કરીને ભારતને 2-0ની સરસાઈ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા અમિત રોહિદાસે ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ત્રીજા ક્વાર્ટર સુધી 3-0ની સરસાઈ મેળવીને પોતાની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી.


ચોથા ક્વાર્ટરમાં ભારતે 2 ગોલ કર્યા, જાપાનનું ખાતું ખુલ્યું


ચોથા ક્વાર્ટરની શરૂઆતના માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે 48મી મિનિટે અભિષેકે ભારત માટે ચોથો ગોલ કર્યો. આ ગોલ સાથે ભારતે 4-0ની લીડ મેળવી લીધી હતી. માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે 51મી મિનિટે જાપાને પોતાનું ખાતું ખોલાવ્યું અને ટીમનો પહેલો ગોલ આવ્યો. ત્યારબાદ મેચ પુરી થવાના 1 મિનિટ પહેલા ભારતે પાંચમો ગોલ કર્યો હતો. 59મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ માટે પાંચમો ગોલ કરીને ભારતને જાપાન સામે 5-1થી જીત અપાવી હતી.


ભારતના 100 મેડલ કન્ફર્મ


ભારતના 100 મેડલ કન્ફર્મ, અત્યાર સુધીમાં 92 મેડલ જીત્યા છે. ભારત પાસે તીરંદાજીમાં ત્રણ, કબડ્ડીમાં બે, બેડમિન્ટનમાં, ક્રિકેટમાં એક, એક હોકીમાં છે. હોકીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતીય કુસ્તીબાજ અમાને પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં ચીનના મિંગ્યુ લિયુને 11-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમાને ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે ચીનના મિંગુ લિયુને હરાવ્યું હતું. મહિલા ફ્રી સ્ટાઈલ 76 કિગ્રા કુસ્તીમાં ભારતની કિરણે થાઈલેન્ડની અરિયુંગાર્ગલ ગાનબતને 6-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોનમે મહિલાઓની ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની જિયા લોંગને હરાવીને મેડલ જીત્યો હતો. ભારતના અતામુ, ધીરજ અને તુષારની  પુરૂષ રિકર્વ ટીમે ફાઇનલમાં હારી ગઈ હતી અને તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતીય પુરૂષ કબડ્ડી ટીમે સેમી ફાઇનલમાં પાકિસ્તાનને 61-14થી હરાવ્યું હતું. એશિયન ગેમ્સની મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતના એચએસ પ્રણયને ચીનના લી શિફેંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને  બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.