ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ટૂંક સમયમાં નવો કોચ મળવા જઈ રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવનાર અમોલ મજુમદારને ભારતીય મહિલા ટીમના હેડ કોચની જવાબદારી મળી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં અમોલ મજુમદારના નામની જાહેરાત કરી શકે છે. અમોલે સોમવારે (3 જુલાઇ) ક્રિકેટ સલાહકાર સમિતિ સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. અશોક મલ્હોત્રા, જતીન પરાંજપે અને સુલક્ષણા નાઈકની આગેવાની હેઠળની CAC અમોલના જવાબોથી ખૂબ પ્રભાવિત દેખાઈ હતી.
બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, અમોલ મજુમદારથી CAC પ્રભાવિત થયા હતા. તે મહિલા ટીમની યોજનાઓ વિશે સ્પષ્ટ છે. અન્ય લોકોની રજૂઆત પણ સારી હતી, પરંતુ અમોલની રજૂઆત શ્રેષ્ઠ હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ માટે તેમના નામને મંજૂરી આપવામાં આવશે.
ટીમના કોચ માટે ઇન્ટરવ્યૂ લેનારા અન્ય લોકોમાં ડરહમના ભૂતપૂર્વ કોચ જોન લુઈસ અને તુષાર આરોઠનો સમાવેશ થાય છે. તુષારે 2018 માં રાજીનામું આપતા પહેલા ભારતના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રમેશ પવારને હટાવ્યા બાદ ભારતીય મહિલા ટીમમાં મુખ્ય કોચનુ પદ ખાલી છે.
અમોલ મજુમદાર ખૂબ જ અનુભવી કોચ
અમોલ મજુમદાર મુંબઈ રણજી ટીમના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ અને દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમ સાથે પણ કામ કર્યું છે. ઇન્ટરવ્યૂ આપનાર તે એકમાત્ર ઉમેદવાર હતો. મજુમદારને 9 જૂલાઈથી શરૂ થઈ રહેલા બાંગ્લાદેશ પ્રવાસ પહેલા ટીમની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભારતીય મહિલા ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર મીરપુરમાં ત્રણ T20 ઈન્ટરનેશનલ અને તેટલી જ વન-ડે મેચોની શ્રેણી રમશે.
ભારતીય મહિલા ટીમ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં વધુ સારી સ્થિતિમાં હોવા છતાં પણ દબાણ હેઠળ ભાંગી પડી હતી. નવા મુખ્ય કોચ ખેલાડીઓની માનસિક શક્તિ પર કામ કરવા ઉપરાંત તેમની ફિટનેસ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે , 'મહિલા ટીમ માટે ફિટનેસમાં સુધારો એક મોટો મુદ્દો છે. રાષ્ટ્રીય ટીમના કેટલાક ખેલાડીઓએ પોતાની ફિટનેસ સુધારવા માટે સખત મહેનત કરવી પડશે. મજુમદારે સહયોગી સભ્યોની જરૂરિયાત અને ભૂમિકા વિશે પણ વિગતવાર સમજાવ્યું હતું. તેમણે ટીમ માટે માનસિક ટ્રેનરની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
અમોલે ફર્સ્ટ ક્લાસમાં 11 હજારથી વધુ રન બનાવ્યા છે
અમોલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 171 મેચોમાં 48.13ની એવરેજથી 11,167 રન બનાવ્યા, જેમાં 30 સદી સામેલ છે. રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન (9205) બનાવવાના મામલે મજુમદાર બીજા ક્રમે છે. મજુમદારની કેપ્ટનશીપમાં મુંબઈએ 2006-07માં રણજી ટાઈટલ જીત્યું હતું. મજુમદારે ટીમને ખરાબ શરૂઆતમાંથી બહાર કાઢવા અને ટાઇટલ સુધી પહોંચવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં તેને ક્યારેય રાષ્ટ્રીય ટીમમાં રમવાનો મોકો મળ્યો નથી.